જમાનો એટલો ખતરનાક ચાલી રહ્યો છે કે આવનારા વરસોમાં તમને ક્યાંક ને ક્યાંક આવી ટચૂકડી જાહેરખબરો જોવા મળે તો નવાઈ નહીં…
***
મોબાઈલની લત છોડાવો
ગરદન વળી ગઈ હોય, ભણવામાં ભમરડો અને મિજાજમાં તડખડીયો ફટાકડો થઈ ગયો હોય તેવા સંતાનોની મોબાઈલની લત ગેરંટીથી છોડાવી આપવામાં આવશે. ચમત્કારી તાંત્રિક બાબાની શાસ્ત્રોક્ત મંત્રવિધિ કર્યા પછી મોબાઈલને અડતાં જ કરંટ લાગશે. સ્ક્રીન જોતાં આંખો બળશે અને ગેઈમ રમતાં ચક્કર આવવા લાગશે.
છ મહિના લગી મોબાઈલને હાથ નહીં લગાડે તેની સો ટકા ગેરંટી. એપોઈન્ટમેન્ટ લેવા આજે જ કોલ કરો.
***
૨૪x૭ હાર્ટ સર્વિસ મળશે
શેરબજારમાં ઉતાર ચડાવને કારણે જેનાં હાર્ટમાં અચાનક મંદીના કડાકા બોલી જતા હોય અથવા ધબકારામાં તેજીની સરકિટ લાગી જતી હોય તેવા તમામ સટોડિયાઓ માટે ચોવીસ કલાકની હાર્ટ સર્વિસ મળશે.
મેમ્બરશીપ લીધા પછી ફોન કરતાંની સાથે જ ફૂલ મેડિકલ સ્ટાફવાળી એમ્બ્યુલન્સ હાજર થઈ જશે. આ ઉપરાંત પ્રિમિયમ પેકેજમાં હાર્ટનો ૧ કરોડ સુધીનો વીમો પણ કવર થશે.
ખાસ નોંધ : જે લોકો સતત ઓનલાઈન એક્સ્પર્ટોની ટિપ્સ લેતા હોય અથવા ટ્રમ્પનાં નિવેદનો જોયા કરતા હોય એમનો સર્વિસ ચાર્જ એકસ્ટ્રા લાગશે.
***
દીકરા દિકરી ભાડે મળશે
જે ઘરડાં માબાપોનાં સંતાનો ઘરથી દૂર વિદેશમાં રહે છે અથવા દેશમાં, શહેરમાં કે ઇવન ઘરમાં જ રહેતા હોવા છતાં તમારી સાથે બે ઘડી બેસવાનો ટાઈમ નથી કાઢી શકતા એવાં સિનિયર સિટિઝનોને પ્રેમાળ, વાતોડીયા, સેવાભાવી અને આજ્ઞાંકિત દીકરા-દિકરીઓ ભાડેથી મળશે.
અલગ અલગ પેકેજોમાંથી પસંદગી કરો : પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, વીક એન્ડ, ડેઈલી બે કલાક, ડેઈલી એક કલાક અથવા રોજ વિડીયો સવાર-સાંજ કોલ…
ખાસ નોંધ : પેકેજ બુક કરાવતાં પહેલાં પોતાનું વસિયતનામું તૈયાર કરીને બેન્કના લોકરમાં મુકી દેવું. કેમકે એજન્ટોની ગેરંટી કંપની લેતી નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment