ટ્રમ્પનું ટાઈમ ટેબલ !

દુનિયાના સૌથી પાવરફૂલ દેશનો પ્રેસિડેન્ટ ખરેખર તો બે શબ્દો જો અણધાર્યા બોલે તો આખી દુનિયામાં ખળભળાટ મચી જવો જોઈએ. પરંતુ આજે દુનિયાના કપાળે ભડભડીયો ટ્રમ્પ જ લખાયો છે ! શું કરીએ ?

જોકે ટ્રમ્પ સાહેબનું વર્તન સાવ અણધાર્યું નથી ! એનું પણ એક ટાઈમ ટેબલ છે ! જુઓ…

*** 

સોમવાર :
જાહેર કરી દેવું કે ઈરાન યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ચોવીસ કલાકમાં એગ્રીમેન્ટ થઈ જશે.

*** 

મંગળવાર :
ઇરાનને ધમકી આપવી કે કોઈપણ યુદ્ધનો ચાળો કરશો તો ઇરાનને નરકમાં ફેરવી નાંખીશ.

*** 

બુધવાર :
મોટે ઉપાડે જહેરાત કરી દેવી કે હોર્મુઝની ખાડી ખૂલી જશે ! કેમ કે અમેરિકાએ યુદ્ધ જીતી લીધું છે.

*** 

ગુરુવાર :
સોશિયલ મિડીયા પર ઓફિશીયલ જાહેરાત કરી દેવી કે હોર્મુઝની ખાડીમાંથી ઇરાનનું એકપણ જહાજ નીકળ્યું તો તેના ઉપર આગ વરસાવવામાં આવશે.

*** 

શુક્રવાર :
પ્રેસ કોન્ફરન્સમાં (કોઈપણ દેશ વિશે) બે અપશબ્દો બોલવા સાથે કહી દેવું કે જો યુરોપે બરબાદી બચવું હોય તો યુદ્ધમાં અમેરિકાને મદદ કરવી જોઈએ.

*** 

શનિવાર :
‘એકસ’ ઉપર લખી દેવું કે અમેરિકાને કોઈની મદદની જરૂર નથી. કેમકે અમેરિકાએ યુદ્ધ ‘પતાવી’ દીધું છે.

*** 

રવિવાર :
ઇરાનને ખુલ્લી ચેતવણી આપવી કે જો તે યુદ્ધ નહીં 'પતાવે' તો હું ઈરાનને નરક બનાવી દઈશ.

*** 

સોમવાર :
કોઈ ચેનલની પત્રકારને મુરખ, બાયસ્ડ અને ડંખીલી કહીને ઇન્ટરવ્યૂ અધૂરો છોડી દેવો. એ જ સાંજે કહેવું કે દુનિયાની સૌથી મહાન લોકશાહી માત્ર અમેરિકામાં છે.

*** 

મંગળવાર :
કંઈ ના સૂઝે તો કહેવુ કે મોદી એક શાનદાર મિત્ર છે ! પણ ભારત પાકિસ્તાનનું યુદ્ધ તો મેં જ અટકાવ્યું હતું…

***

- મન્નુ શેખચલ્લી

Comments