આ તો મોદી સાહેબને લીધે પેલી બંગાળી ઝાલમૂરી ફેમસ થઈ ગઈ. બાકી અમુક ‘સરકારી’ વાનગીઓ તો વરસોથી જાણીતી જ હતી…
***
ચા-પાણી :
સરકારી ઓફિસમાં તમારું નાનકડું કામ થઈ જાય, ટ્રાફિક પોલીસવાળો લાયસન્સ વિના જવા દે… ત્યાંથી લઈને લાખો રૂપિયાનો ચેક પાસ થઈ જાય ત્યારે ‘ચા-પાણી’નો ખર્ચો આપવાનો બહુ જુનો રિવાજ છે.
***
નાસ્તા-પાણી :
આ જરા નેકસ્ટ લેવલ છે. આમાં કોઈ કોન્ટ્રાક્ટ મળી જાય, એકાદ ટેન્ડર પાસ થઈ જાય, દારૂ ભરેલી પેટી પકડાઈ જાય કે ઘેરબેઠા ડ્રાઈવીંગ લાયસન્સ આવી જાય ત્યારે ‘નાસ્તા-પાણી’નો ખર્ચો આપવાનો હોય છે.
***
બાળકો માટે મીઠાઈ :
આ ગળી વાનગી જીભમાંથી મીઠી લાળ ટપકાવતા હોઈએ એવા હાવભાવ સાથે સરકારી કોન્ટ્રાક્ટર, બિલ્ડર કે ઇન્ડસ્ટ્રીયાલીસ્ટોએ ટ્રિપલ ફેમીલી-પેક સાઈઝની નોટો ભરેલી બેગ આપતાં કહેવાનું હોય છે ‘હીહીહી… આ તો જસ્ટ બાળકો માટે મીઠાઈ છે !’
***
મલાઈ :
ભલે એની જાડાઈ બે મિલિમીટરથી પણ વધારે ના હોય, છતાં સરકારી દફતરોમાં મલાઈની કિંમત બહુ મોટી હોય છે. લાખો અને કરોડોની મલાઈ સરકારી અફસરો તથા નેતાઓ જાતે જ કાઢી લે છે ! એ પણ કશું ‘ઉકાળ્યા’ વિના…
***
માખણ :
આ તો એક જાહેર વાનગી છે જે નાનાં ગામની પંચાયત ઓફિસથી લઈને છેક ગાંધીનગર કે દિલ્હીની મોટામાં મોટી રાજગાદી ઉપર બેસનારી વ્યક્તિઓને ‘લગાડવામાં’ આવે છે. આને ‘મસ્કા’ પણ કહે છે. પ્રમાણમાં અત્યંત સસ્તી લાગતી આ ચીજને સરસ રીતે ‘લગાડતાં’ આવડતું હોય એ લોકો સતત ફાયદામાં રહેતા હોય છે.
***
અન્ય ‘ખાદ્ય’ પદાર્થો :
જેમકે પૈસા… એ આમ તો ‘ખાઈ’ જ ના શકાય, પણ બધા ‘ખાય’ છે. એવી જ રીતે ‘હપ્તા’… જે ખવડાવવાના અલગ હોય છે અને ઉઘરાવવાના અલગ હોય છે.
(નોંધ : ઉપરના તમામ શબ્દો ચાણક્યની ‘ભ્રષ્ટાચાર સંહિતા’ નામના પુસ્તકના પાછલા પાને હાથ વડે લખેલા હતા ! બોલો.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment