નવા મોબાઈલનાં નવાં જોડકણાં !

‘મામાનું ઘર કેટલે’ અને ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં જોડકણાં તો ક્યારનાં ભૂલાઈ ગયાં ! હવે તો આપણે હાડ-માંસ અને લોહી-ડીએનએ સુધી ઘૂસી ગયેલા મોબાઈલનાં જોડકણાં હોવા જોઈએ ! સાંભળો…

*** 

વોટ્સએપ ફેસબુક ને ઇન્સ્ટા
પછી નવરાને શી ચિંતા !

*** 

ફેસબુક માગે લાઈક
વોટ્સએપ આપે જ્ઞાન
ઇન્ફ્લુએન્સર તો ઇન્સ્ટાના
ચાટે દિમાગ ને કાન !

*** 

ફોનમાં છૂપાયેલો વાયરસ,
સેલ્ફીમાં છુપાયેલું ફિલ્ટર,
અને સ્ટેટસમાં લખેલી ડંફાસ…
‘હેંગ’ થાય ત્યારે જ ખબર પડે !

*** 

નાની રીલ્સના વ્યુ ઝાઝા
ને લાંબા વિડીયો ઉપર
‘ભગતડાં’ ઝાઝા !

*** 

ગાંડા વિડીયોની ઘેલછાઈ ઘણી, ને
ચાંપલી સલાહની ભલામણ ઘણી !

*** 

ફિલ્મ સ્ટારના ફોલોઅર્સ
લાખ્ખોમાં જાય…
પણ પત્રકારોના વ્યુઝ
આંગળીના વેઢે ગણાય !

*** 

ફેક હોય તો વાયરલ થાય
ને સાચું બિચારું છાપે જાય
છાપામાં આવ્યું તે
જેન-ઝિ શું જાણે ? પણ…
વાયરલ થયેલું તો
સૌ વડીલો જાણે !

*** 

યુવા પેઢીને એક જ ભૂખ
ડેટા ખાય ને કન્ટેન્ટ પીએ
ટચૂકડા સ્ક્રીનમાં કલાકો જાય
આખી જવાની સ્ક્રોલિંગમાં જાય !

*** 

બેઉનાં દિલ ઇન્સ્ટામાં મળ્યા
ડીએમ કરીને ચેટમાં પડ્યા
વોટ્સએપથી કર્યા વિડીયો કોલ
હોટેલમાં મળ્યા ત્યાં ખૂલી પોલ

છોકરીનાં હતા ચાર-ચાર ‘એક્સ’
ને છોકરાની હિસ્ટ્રીમાં મોટા ઝોલ
તોયે…
‘ઓયે’નું રેન્ટ વસૂલ કર્યું
ખાધું પીધું ને રાજ કર્યું !

***

- મન્નુ શેખચલ્લી

Comments