જહાજ ડૂબતું હોય ત્યારે સૌથી પહેલાં ઉંદરડા ભાગી છૂટે છે એવું તો સાંભળ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળમાં તો જહાજના નાવિકો જ ભાગી રહ્યા છે !
ભારતના રાજકારણમાં ક્યારેય ના જોવા મળ્યાં હોય એવાં દૃશ્યો ત્યાં ભજવાઈ રહ્યાં છે. બસ, હવે એની ફિલ્મો જ આવવાની બાકી છે…
***
‘હમ આપ કે હૈં કૌન ?’
ગઈકાલ સુધી જે ‘દીદી’ના વ્હાલા ‘ભાઈઓ’ આખા ગામના ‘મામા’ બનીને રાજ કરતા હતા. એ અચાનક તમામ સગાઈઓ ભૂલીને પોતાના ડઝનબંધ ભાણિયાઓ સહિત મમતાજીને પૂછી રહ્યા છે – ‘હમ આપ કે હૈં કૌન ?’
***
‘હમ સાથ સાથ હૈં’
આ મામાઓ હવે જથ્થાબંધના ભાવમાં વાડ કૂદીને ભાજપના વ્હાલા થવા પહોંચી ગયા છે. બધા મામાએ એકબીજાને અને ભાજપને પણ કહી રહ્યા છે : ‘હમ સાથ સાથ હૈં !’
***
‘ડરના જરૂરી હૈ’
આ રામગોપાલ વર્માની નહીં પણ મોદી-શાહ પ્રોડક્શનની ફિલ્મ છે ! મમતા પ્રોડક્શનમાં જે લોકોએ મેઈન વિલન, સાઈડ વિલન, નાના વિલન, મોટા ગુન્ડા, નાના ગુન્ડા, ટપોરી, બળાત્કારી, ટોપીબાજ જેવા રોલ કર્યા હતા એમને અચાનક જેલના કેદીઓના રોલ ભજવવા પડે તેનો ડર લાગી રહ્યો છે !
(એટલે જ ઉપરની બે ફિલ્મોમાં જે આપો તે રોલ ભજવવા તૈયાર છે !)
***
‘મમતા’ (નવી બાયોપિક)
મમતા દીદીને હિરોઈન બનાવીને જે બાયોપિક બની રહી હતી એની સ્ક્રીપ્ટમાં ધરખમ ફેરફારો થઈ ગયા છે ! આખેઆખું પાત્રાલેખન બદલાઈ ગયું છે ! કહે છે કે દિલ્હીમાં બેઠા બેઠા અમિત શાહ નક્કી કરી રહ્યા છે કે મમતાની સ્ટોરીમાં આગળ શું થશે !
***
‘વો કૌન થી ?’
જે રીતે ભાજપવાળા ભારતના ઇતિહાસમાંથી અમુક ઘટનાઓ ભૂંસી નાખવા માગે છે એ જ રીતે પશ્ચિમ બંગાળના ઇતિહાસ વિશેની આ ડોક્યુમેન્ટ્રીમાં મમતા દીદીનું અસ્તિત્વ જ ભૂંસી નાંખવામાં આવશે ! મમતા ? કૌન મમતા ? વો કૌન થી ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment