૧૯૭૦માં બનેલી અને ૧૯૭૧માં રિલીઝ થયેલી ‘ચેતના’ પછી હિન્દી ફિલ્મોમાં ‘એડલ્ટ’ ફિલ્મોનું (‘એ’ સર્ટિફિકેટવાળી ફિલ્મોનું) રીતસર વાવાઝોડું આવ્યું હતું. એની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે ૧૯૭૪માં ‘ગુપ્તજ્ઞાન’ નામની એક અત્યંત જુગુપ્સાપ્રેરક અને સાવ ગોબરી કહી શકાય એવી એક ડોક્યુ-ડ્રામા ફિલ્મ સરેઆમ ભારતના સિનેમાઘરોમાં રીલીઝ થઈ ગઈ !
આમ જોવા જાવ તો હિન્દી ફિલ્મોના પરદા ઉપર બે ફૂલો ટકરાય પછી તરત જ હીરોઈન આવીને કહે કે ‘મૈં મા બનનેવાલી હું’ ત્યાં પ્રેક્ષકોને નહીં, પરંતુ ફિલ્મો બનાવનારાઓને સેક્સ એજ્યુકેશન આપવાની તાતી જરૂર હતી !
આ એ જમાનો હતો જ્યારે બિચારાં ૧૮-૨૦ વરસના ‘કોરા-કુંવારા’ છોકરા-છોકરીઓને પણ ફિલ્મોને કારણે એવો વહેમ (ડર) ઘૂસી ગયેલો કે જો આપણે વરસાદમાં ડાન્સ કરતાં કરતાં એકાદ ઝુંપડીમાં જતા રહીએ તો સવાર સુધીમાં છોકરીનો પ્રેગનન્સી ટેસ્ટ ‘પોઝિટીવ’ જ આવી જાય !
બીજી બાજુ, એ જમાનામાં જો કોઈ છોકરી છોકરાઓ જોડે માત્ર હસીને વાત કરતી હોય તો તે ‘ચાલુ’ ગણાઈ જતી હતી ! એમાંય જો છોકરો અને છોકરી એકબીજાનો હાથ પકડીને ચાલતા દેખાય તો તો એમ જ માની લેવાતું કે ‘પેચ ગંઠાઈ ગયા છે, હોં બોસ !’ (આમાં ‘ગંઠાઈ ગયા’નો શું અર્થ થાય છે તે ન ખબર હોય તો કોઈ અમદાવાદીને પૂછી લેવું.)
આવા માહૌલમાં જ્યારે ‘ગુપ્તજ્ઞાન’ જેવી ફિલ્મ ખુલ્લેઆમ સિનેમાઘરોમાં રિલીઝ થાય અને ‘હાઉસફૂલ’નાં પાટિયા ઝુલાવતી હોય તો જસ્ટ વિચારો, બિચારા સંસ્કારી વડીલોની તો શી હાલત થઈ હશે ? હાહાકાર મચી ગયો હતો !
આમ જોવા જાવ તો ‘ગુપ્તજ્ઞાન’ એક પ્રકારની ડોક્યુ-ડ્રામા મુવી હતી. યાને કે ફિલ્મમાં નામ પુરતી થોડી સ્ટોરી પણ હતી. પણ ભાઈ સાહેબો, એ સ્ટોરી જોવામાં કોને રસ હતો ? મજેદાર વાત એ પણ હતી કે આ ફિલ્મની ૯૦ ટકા ખ્યાતિ તો માઉથ પબ્લિસીટી વડે જ થઈ હતી.
આપણને થાય કે યાર, પેલા બી. કે. આદર્શ નામના માણસને ‘આવી’ ફિલ્મ બનાવવાનો વિચાર જ શી રીતે આવ્યો હશે ? એનાથી પણ અઘરો સવાલ એ પણ થાય કે ‘આવી’ ફિલ્મમાં પોતાની જ પત્ની (જયમાલા)ને હિરોઈન તરીકે રજૂ કરવાની હિંમત શી રીતે કરી હશે ?
જોકે જયમાલાને ભાગે પરદા ઉપર ‘એવું એવું’ કશું જ કરવાની જરૂર નહોતી કેમકે જે સૂતરના તાંતણા જેવી સ્ટોરી હતી એમાં આ છોકરીને એક ગુપ્તરોગ પોતાની માતા તરફથી ‘વારસામાં’ મળ્યો છે. આ જાણ્યા પછી હીરો ભરત કપૂર (જેની આ પહેલી જ ફિલ્મ હતી અને જેના લીધી બિચારાની આખી કરિયર બરબાદ થઈ ગઈ) તે નક્કી કરે છે કે હવે તો હું આવા રોગોનો નિષ્ણાત ડોક્ટર બનીને જ જંપીશ !
ટૂંકમાં, ડોક્ટર બનવાનું આ જ્ઞાન મેળવવા માટે તે વિવિધ નિષ્ણાતોને મળે છે એમાં ફિલ્મ ડોક્યુમેન્ટ્રીની જેમ આગળ વધે છે, પણ ભૈશાબ, આવી તે કંઈ ડોક્યુમેન્ટ્રી હોય ?
પેલા આદર્શભાઈએ પરદા ઉપર શેને શી રીતે બતાડવું એના કોઈ ‘આદર્શ’ રાખ્યા જ નહોતા. (એમાંય અમદાવાદમાં આ ફિલ્મ ‘મોડલ’ ટોકિઝમાં આવેલી. જ્યાં ‘મોડલ’નું ગુજરાતી પણ ‘આદર્શ’ જ થાય.) આદર્શભાઈએ આખી ફિલ્મનું શૂટિંગ માત્ર નવ દિવસમાં ‘ખેંચી’ મારેલું ! (બી. આર. કો ‘ઇશારા’ કાફી હૈ.)
એમાંય, પૈસા બચાવવા માટે ઇસ્ટમેન કલર નહીં પણ ‘ગેવા કલર’માં ઉતારેલી. ચાલો, એ પણ સમજ્યા, પણ અહીં તો ગેવા કલરની જે નેગેટિવનો સ્ટોક વાપર્યો હશે તે પણ ‘આઉટ-ઓફ-ડેટ’ હતો. (ટુંકમાં નેગેટિવ સડી જવાને આરે હશે.) આના કારણે અમુક ‘ગુપ્ત’ દૃશ્યો તો રીતસરનાં ચીતરી ચડે તેવાં દેખાતાં હતાં !
અચ્છા, એમાં વેશ્યાગમનનાં જે બે ત્રણ દૃશ્યો હતાં તેમાં તો કંઈ ઠીકઠાક દેખાતી અભિનેત્રી બતાડવી હતી ? પણ અહીંયે પૈસા બચાવવા જતાં તદ્દન ‘સસ્તી’ (સાચુકલી) વર્કરોને પસંદ કરેલી.
તમને થતું હશે કે યાર, આટલી ગંદી ગોબરી ક્વોલીટી હોવા છતાં ત્યાં ટોળેટોળાં કેમ ઉમટતાં હતાં ? તો જવાબ એટલો જ કે માઉથ પબ્લિસીટીમાં આવી ‘ક્વોલિટી’નો પાર્ટ મોટેભાગે ‘ગુપ્ત’ જ રહ્યો હતો !
અમને યાદ છે, ફિલ્મ જોવા આવેલું ઓડિયન્સ પણ મોટે ભાગે ‘ગોબરું’ જ રહેતું. સમ ખાવા પુરતી એક પણ મહિલા તો હોય જ નહીંને ? પણ બીજી બાજુ કોમેડી એ હતી કે કાચા કુંવારા અને મૂછના દોરા પણ ના ફૂટ્યા હોય એવા બાબલાઓ શો શરૂ થયા પછી અંધારુ થાય ત્યારે ગેટકીપરને પૈસા ચૂકવીને અંદર બેસવાનું ‘સેટિંગ’ પાડી આપનારાની આગળ પાછળ ફરતા રહેતા હતા !
સારું થયું કે એસટીડી યાને કે ‘સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ’ વિશેની આ મુવી ૧૯૭૪માં આવી ગઈ. બાકી ૧૯૯૦ પછી જ્યાં દેશમાં લાખોની સંખ્યામાં ‘એસટીડી’ લાઈન આવી ગયેલી ત્યારે એનો શું મિનિંગ થતો હોત ? એમાંય, પેલાં પીળાં ‘એસટીડી બુથ’ ઉપર તો કેવી કેવી જોક્સ બની હોત ?
‘ગુપ્તજ્ઞાન’ બેશક એક ચોંકાવનારી ફિલ્મ તો હતી જ, પણ આજે યુ-ટ્યુબમાં જુઓ તો શરૂઆતમાં નંબરીયાં પડે છે તે જોતાં જ તમને ૪૪૦ વોલ્ટનો ઝાટકો લાગશે ! કેમ ?
કેમકે અહીં અટલ બિહારી બાજપેયી, ચંદ્રશેખર અને ડી. કે. બરૂઆ જેવા ડઝન જેટલા સાંસદો, મિનિસ્ટરો ઉપરાંત રામ જેઠમલાની જેવા ખ્યાતનામ વકીલના ‘આશીર્વાદ’ અને ‘મદદ’ માટે આભાર માનવામાં આવ્યો છે !
તમને થતું હશે કે એ વખતે સેન્સર બોર્ડ શું કરી રહ્યું હતું ? તો તમને જાણીને નવાઈ લાગશે કે તે વખતની સરકારનો આ ફિલ્મ માટે પરદા પાછળનો સપોર્ટ પણ હતો !
કેમકે તે વખતે આખા દેશની તમામ દિવાલો ઉપર ચીતરાઈ ગયેલા પેલા ‘લાલ ત્રિકોણ’વાળા કુટુંબ નિયોજનની જબરદસ્ત સરકારી ઝુંબેશ પુરજોશમાં ચાલતી હતી !
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* ‘ગુપ્તજ્ઞાન’માં ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલી વખત બાળકને જન્મતું ‘લાઈવ’ બતાડવામાં આવ્યું હતું.
* તે વખતે એઇડઝની બિમારી નહોતી પણ ‘સિફિલીસ’ તથા ‘ગનોરિયા’ જેવા ગુપ્તરોગનું પ્રમાણ ઘણું વધારે હતું.
* નિર્માતા દિગ્દર્શક બી. કે. આદર્શ હજી હયાત છે અને તે ૬ જાન્યુઆરીએ ૧૦૧ વર્ષના થયા !
* આજે તરણ આદર્શ જે જાણીતા ફિલ્મ વિવેચક અને ટ્રેડ એક્સ્પર્ટ છે, તે બી. કે. આદર્શના પુત્ર થાય !
* એમ તો કોમલ નાહટા જે ફિલ્મી કલાકારોના ઇન્ટરવ્યુ લેવા માટે જાણીતા છે તે બી. કે. આદર્શના સગા ભત્રીજા થાય !
* આ એ જ બી. કે. આદર્શ છે જેમણે ૧૯૬૨માં ‘હરિશ્ચંદ્ર તારામતી’ બનાવી હતી ! જી હા, જેમાં લક્ષ્મીકાંત પ્યારેલાલે સુપરહીટ ગીતો આપ્યાં હતાં ! અને જેમાં પૃથ્વીરાજ કપૂર હરિશ્ચંદ્ર અને આદર્શનાં પત્ની જયમાલા તારામતી બન્યાં હતાં ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
આ ફિલ્મ જેતે વખતે મેં પણ જોઈ નાંખ્યું હતું!!!
ReplyDeleteNever dare
ReplyDelete