એક જંગલમાં એક હાથી પોતાની મદમસ્ત ચાલે ચાલ્યો જતો હતો. એવામાં એક ઉંદરડું એના પગ તળે કચડાઈને મરી ગયું !
હાથીને તો એની ખબર પણ નહોતી પણ જંગલના ઉંદરડાઓમાં આ વાત ફેલાઈ ગઈ !
પછી તો શું ? જંગલના બુદ્ધિજીવી, પર્યાવરણ પ્રેમી, એનિમલ રાઈટ્સ અને બીજા પ્રકારના ઉંદરડાઓએ એક મોટી સભા ભરવાનું એલાન કરી નાંખ્યું !
સભામાં સેંકડો ઉંદરડા ભેગા થયા, અહીં વારાફરતી એક પછી એક ઉંદરડા ભાષણ કરી રહ્યા હતા કે ‘હાથીને આવો અધિકાર જ કોણે આપ્યો કે તે આપણને દબાવે ?’ વગેરે…
એવામાં પેલો હાથી ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો !
હાથીને જોતાં જ ઉંદરની સભામાં નાસભાગ મચી ગઈ ! સૌને ડર હતો કે આ અલમસ્ત ચાલે ચાલી રહેલા હાથી નીચે આપણે પોતે દબાઈને ક્યાંક કચડાઈ ના મરીએ !
જીવ બચાવવા અમુક ઉંદરડા એક ઝાડ ઉપર ચડી ગયા !
હાથીને તો આ જોઈને મોજ પડી ગઈ ! તેણે મસ્તીમાં આવીને પોતાની સૂંઢ વડે પેલા ઝાડને હચમચાવવા માંડ્યું ! આમાંને આમાં એક ઉંદરડો ઉછળીને બરોબર જઈને હાથીની પીઠ ઉપર પડ્યો !
હાથીને તો કશી ખબર જ ના પડી ! પણ બીજા ઉંદરડાઓએ આ જોયું ! એ બધા બૂમો પાડવા લાગ્યા :
‘એય… હાથી તારા પગ નીચે આવી ગયો છે ! બસ હવે એને દબાવી દે… ! એને કચડી નાંખ !’
***
ખાસ નોંધ : અહીં જે ઉંદર પેલા હાથીની પીઠ ઉપર સંજોગોવશાત્ પહોંચી ગયો છે તને ‘કોક્રોચ પાર્ટી’ માનવાની ભૂલ કરવી નહીં.
અને બીજું, પેલા જે બૂમો પાડી રહ્યા છે કે ‘દબાવી દે…! કચડી નાંખ…!’ એ ઉંદરડાઓ આપણા વિરોધપક્ષો, સેક્યુલરો, લિબરલો, શિક્ષણશાસ્ત્રીઓ, બુદ્ધિજીવીઓ અને ખાસ તો ‘જેન-ઝિ’વાળા છે એવું લાગતું હોય તો…
એવું માનવાની છૂટ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment