કોણ કહે છે, ગરીબ છીએ ?

આંકડાઓ કહે છે કે ભારતમાં હજી બહુ ગરીબી છે. પણ બોસ, આપણી સરકારનં લક્ષણો જોતાં એવું જરાય લાગતું નથી !

*** 

કોણ કહે છે કે ભારત ગરીબ છે ?
અહીં કમાઈ કમાઈને આપણે એટલા ‘એદી’ થઈ ગયા છીએ કે પ્રોજેક્ટો પુરા કરવામાં મોડું થઈ જાય એમાં તો એની કિંમત વરસે ૧૨ લાખ કરોડ જેટલી વધી જાય છે !

*** 

કોણ કહે છે કે ભારત ગરીબ છે ?...
આપણે એક પુલ ૪૮ કરોડના ખર્ચે બનાવીએ છીએ… પણ એ આપણને ‘ગમતો’ નથી ! એટલે એને ‘વાપરતા’ જ નથી ! પછી આપણો આ ‘અણગમો’ દૂર કરવા માટે બીજા બાવન કરોડના ખર્ચે એ પુલને તોડી પાડીએ છીએ !

*** 

કોણ કહે છે કે ભારત ગરીબ છે ?
આપણા કહેવાતા ગરીબોને વહેંચવા માટે જે અનાજ ગોદામોમાં રાખીએ છીએ એમાંથી લગભગ દોઢ લાખ કરોડનું અનાજ તો ‘સડી’ જાય છે ! ઠાઠ છે ને…

*** 

કોણ કહે છે કે ભારત ગરીબ છે ?...
ભારત દેશની ગભરુ પ્રજા આપણા પ્રિય નેતાઓને ‘મારી ના નાંખે’ (અથવા જુતું ના મારી બેસે ) માત્ર એના માટે આપણો દેશ વરસે સવા લાખ કરોડ એમની ‘સુરક્ષા’ પાછળ વાપરી નાંખે છે ! આને કહેવાય અમીરી…

*** 

કોણ કહે છે કે…
ભારતની પ્રજા પણ કંઈ ઓછી નથી. અહીં બેન્કોમાં પૈસા ભર્યા પછી તેને ઉપાડવાનું ‘ભૂલી ગયા’ હોઈએ એવા કુલ ૭૮૦૦૦ કરોડ બેન્કોમાં ‘પડ્યા’ છે ! એવી જ રીતે કંપનીઓના શેર ખરીદ્યા પછી ‘આડે હાથે’ ક્યાંક મુકાઈ ગયા હોય એવા ‘કાગળિયાં’ની ટોટલ કિંમત ૧ લાખ કરોડ છે ! શેઠીયા છીએ ભઈ, શેઠીયા…

*** 

અને દર વરસે બજેટ આવે ત્યારે બબ્બે દિવસ સુધી પાર્લામેન્ટ અને ન્યુઝ ચેનલોમાં ચર્ચા ચાલે છે કે રૂપિયા કયાં ‘વપરાશે’…

પણ બોસ, ગયા વરસે આપણા આટલા બધા રૂપિયા ‘ક્યાં વપરાઈ ગયા’ એની ચર્ચા બે મિનિટ માટે પણ નથી થતી !

કેમ ? અરે, એવું નાનું નાનું કોણ ગણ્યા કરે, હેં ? અમીર છીએ બોસ, અમીર…

***

- મન્નુ શેખચલ્લી

Comments