બિલકુલ ફેક લાગે એવા બે સાચા સમાચાર આવી ગયા ! એક, ‘પાર્લે’ નામની એક કંસ્ટ્રક્શન કંપનીના ભાવ એટલા ઉંચકાયા કે અપર સરકીટ લાગી ગઈ ! બીજી બાજુ ‘મેલોડી’નાં પેકેટો ઓનલાઈન આઉટ-ઓફ-સ્ટોક થઈ ગયાં !
હવે બીજા મનોરંજક ફેક-ન્યુઝ પણ આવી શકે છે, જુઓ નમૂના…
***
ડીલીવરી બોય્ઝની ચોરી !
એક ચોંકાવનારું ષડયંત્ર બહાર આવ્યું છે જેમાં ઓનલાઈન ડિલીવરી કરતા કર્મચારીઓ ૫૦ મેલોડી ચોકલેટના પેકેટોમાંથી બે પાંચ ચોકલેટો ચોરીને ‘બ્લેક’માં વેચી મારતા હોવાનું બહાર આવ્યું છે.
***
નકલી મેલોડીનો જથ્થો ઝડપાયો !
બજારમાં મેલોડી ચોકલેટની અછત સર્જાતાં જ નકલી મેલોડી ઘૂસાડવામાં આવી રહી છે ! વીસનગર ભાજપ કાર્યાલયે મેલોડીના ૧૦૦ પેકેટનો ઓર્ડર આપ્યો હતો પરંતુ પાર્સલ ખોલતાં અંદરથી અડધો અડધ સડેલી ખજૂર નીકળી હતી !
કહેવાય છે કે આ એ જ ગેંગનું કારસ્તાન છે જેઓ મગફળીની સરકારી ખરીદીમાં લાકડાંનું ભૂસું પધરાવતા હતા !
***
‘પાર્લે’ને મળ્યો સ્પેશીયલ ઓર્ડર
ભારતીય વિદેશ મંત્રાલયમાંથી લીક થયેલી એક ખબરને ‘રોમેન્ટિક’ કહેવી કે ‘ચાણક્ય ચાલ’ કહેવી તે સમજાય તેવું નથી ! વાત એમ છે કે વિદેશ મંત્રાલયે ‘પાર્લે’ કંપનીને ‘મેલોડી’ ચોકલેટની સ્પેશીયલ ડિઝાઈનવાળાં હજારો પેકેટોનો ઓર્ડર આપ્યો છે. જેનાં પેકેટ ઉપર મોદીજી અને મેલોનીજીની તસવીરો હાર્ટ ટાઈપમાં મુકવાની રહેશે !
કહેવાય છે આ પેકેટો ટ્રમ્પને, શાહબાજ શરીફને તથા તુર્કીયેના વડાપ્રધાનને ‘જલાવવા માટે’ મોકલવામાં આવશે !
***
કોંગ્રેસની નવી ચેલેન્જ !
દરમ્યાનમાં કોંગ્રેસે મોદીજીને ખુલ્લી ચેલેન્જ આપતાં કહ્યું છે કે ‘તમે ભારતમાં આવીને ભારતની પ્રજાને ‘લોલીપોપ’ આપતા હો એવો જાહેર સમારંભ કરી બતાડો તો ખરા !’
જવાબમાં ભાજપ કાર્યાલયે મજાકમાં જણાવ્યું છે કે ‘મોદી સાહેબ તમારા કોંગ્રેસ કાર્યાલય સામે ઊભા રહીને માત્ર એક લોલીપોપ બતાડે તો મિનિમમ ૧૦૦ કોંગ્રેસીઓ ભાજપમાં આવી જશે !’
***
‘મેલોડી’ માતાનું મંદિર !
આ બધાની વચ્ચે કોલકતાના એક ભાજપી કાર્યકરે શહેરમાં ભવ્ય ‘મેલોડી’ માતાનું મંદિર બાંધવાની જાહેરાત કરી નાંખી છે !
… જય મેલોડી માતા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment