કોમ્યુનિસ્ટોની પેટા જ્ઞાતિઓ !

જુઓ, જે ભાજપિયા છે તે બધા ભાજપિયા જ હોય છે. એ જ રીતે તમામ કોંગ્રેસીઓ પણ સરખા જ કોંગ્રેસી હોય છે. (એટલે જ પટ કરતા ભાજપમાં જતા રહે છે.)

પરંતુ દેશના કોમ્યુનિસ્ટોમાં વિવિધ પેટા-જ્ઞાતિઓ હોય છે ! સાંભળો આ સંવાદ…

*** 

‘ઓહો કોમરેડ ! તમે કોમ્યુનિસ્ટ લાગો છો !’

‘યસ કોમરેડ ! પણ તમે કેવા કોમ્યુનિસ્ટ ? માર્કસવાદી કે લેનિનવાદી ?’

‘અમે આમ તો માર્કસવાદી, પણ એમાં અમે પ્રો-રશિયન ! તમે કેવા ?’

‘અમે પ્રો ચાઈનિઝ માર્કસવાદી ! પણ એમાંય અમે બંગાળી નકસલવાદી… તમે ?’

‘અમને નકસલવાદીઓ નાત બહારના ગણે છે. કેમ કે અમે પ્રો કેરળ અને એન્ટિ મમતા રહ્યા ને ? એટલે !’

‘એમ તો અમે પણ એન્ટિ મમતા છીએ. પણ શું છે, અમે પ્રો બાંગ્લા કલ્ચર, પ્રો ભદ્રલોક અને પ્રો મોડર્નિસ્ટ હોવા છતાં અમે મૂળ તો પાછા એન્ટિ એલિટ, હોં ?’

‘ઓહો એવું છે ! અમે પણ પ્રો આર્ટ તો ખરા જ ! ઉપરથી અમે પ્રો ફ્રીડમ ઑફ સ્પીચવાળા ! પણ શું છે, પાર્ટી ડિકટેટમાં એવું બધું નહીં ! ત્યાં તો સુપ્રીમ કમાન્ડ જ ફાઈનલ !’

‘એવું તો અમારું પણ ખરું. પણ અમે લોકો આમે એન્ટિ હિન્દુ, એન્ટિ મોદી, એન્ટિ કાસ્ટિઝમવાળા ખરા, પણ સાથે સાથે પ્રો દલિત, પ્રો માઈનોરીટીવાળા એથિસ્ટ કહેવાઈએ !’

‘એમ તો અમે પણ એથિસ્ટ ! પણ જોડે જોડે પ્રો ક્રિશ્ચીયન, પ્રો સેક્યુલર અને એન્ટિ સનાતન…’

‘એવું છે ? જોકે જરા કન્ફ્યુઝિંગ લાગે છે. પણ અમે લોકો ક્લિયરલી પ્રો લેબર, એન્ટિ ઇન્ડસ્ટ્રી, એન્ટિ કોર્પોરેટ, એન્ટિ મલ્ટીનેશનલ અને પ્રો પ્રોગ્રેસિવ છીએ !’

‘શું કહ્યું ? પ્રોગ્રેસિવ ? સંભાળજો  કોમરેડ ! આજકાલ બંગાળમાં પ્રોગ્રેસનો મિનિંગ ‘વિકાસ’ થઈ ગયો છે !’

‘તો શું થયું ? અમે હંમેશા એન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ જ રહેવાના.’
‘પણ પ્રો પાવર તો ખરા ને ?’

‘ના હવે એન્ટિ પાવર થઈ ગયા છીએ.. તમારું કેવું ?’

‘અમારું… આમ તો એન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ, પણ આજકાલ અમારું પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ જ જોખમમાં છે, કોમરેડ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments