મોદીજીની સોનેરી સલાહો !

મોદીજીએ દેશનું પેટ્રોલ-ડિઝલ, ગેસ અને સોનું બચાવવા માટે આપણને કેટલીક સોનેરી સલાહો આપી છે. પરંતુ અમને લાગે છે કે આમાં ખુદ સરકારે જ કંઈક કરવાની જરૂર છે. શી રીતે ? જુઓ…

*** 

સલાહ નંબર (૧) પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઓછો કરો

- આમાં પ્રજા શું કરે ? તમે જ પેટ્રોલ ડિઝલના ભાવ રાતોરાત પાકિસ્તાન જેટલા કરી નાંખોને ?  સવાર સુધીમાં તો વપરાશ ૫૦ ટકા ઘટી જશે ! ગેરંટી !

*** 

સલાહ નંબર (૨) મેટ્રો, સિટિ-બસ વગેરેનો ઉપયોગ વધારો

- આનો ઉપાય સિમ્પલ છે. આમેય વરસાદ આવવતાં જ બધા રોડ ધોવાઈ જ જવાના છે ! તો થોડી ઉતાવળ રાખીને તમામ રોડ એની પહેલાં જ ખોદીને રમણ-ભમણ કરી નાંખોને ? પ્રજા જખ મારીને મેટ્રોમાં જશે !

*** 

સલાહ નંબર (૩) બને ત્યાં કાર-પૂલિંગ કરો

- હા, આ જરૂરી છે ! કેમકે રોડમાં પડેલા મોટા મોટા ભૂવામાં જ્યારે કારો પડી જશે ત્યારે એનું ‘પૂલિંગ’ તો કરાવવું જ પડશે ને ?

*** 

સલાહ નંબર (૪) વિદેશોમાં જઈને ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ્સ કરવાનું ટાળો

- બહુ સારું કર્યું કે આવી સલાહ છેક હમણાં આપી ! બાકી થોડા સમય પહેલાં આપી હોત તો અંબાણી પરિવારને કેટલું બધું ખોટું લાગી જાત ?

*** 

સલાહ નંબર (૫) એક વરસ સુધી સોનું ખરીદવાનું ટાળો

- પ્રભુ, સાવ ડબલ-ઢોલકી જેવી વાત કરી નાંખીને ? એક બાજુ કહો છો કે અમે મહિલાઓને ૩૩ ટકા સીટો અપાવીશું અને બીજી બાજુ કહો છો કે સોનું નહીં ખરીદવાનું ? આમાં તો પતિ-પત્ની વચ્ચે કંકાસ જ થવાના ને ?

*** 

સલાહ નંબર (૬) તળેલી વાનગીઓ ઓછી રાંધો જેથી ગેસ બચે

- જોયું ? બધી મેઇન મેઇન ચૂંટણીઓ પતી ગઈ પછી જ મહિલાઓને ‘ડહાપણ’ વહેંચવા નીકળ્યા છે !

*** 

સલાહ નંબર (૭) બને ત્યાં સુધી વર્ક-ફ્રોમ-હોમ કરવાનું રાખો

- એ તો રસ્તાઓની પથારી ફેરવી નાંખવાથી ઘરે જ બેસવું પડશે ! પણ પછી થોડી થોડી વારે ચવાણું, ભજીયાં, સમોસા અને ચ્હા જોઈશે ત્યારે ગૃહિણીનો ‘બાટલો’ ફાટશે !! એનું શુંઉંઉં?

રહેવા દોને ભૈશાબ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments