માર્ચ એપ્રિલના 'વિસરાયેલા' દિવસો !

૨૮ ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકાએ ઇરાન સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી લઈને ૪ મે, જ્યારે મોદી અને દીદી વચ્ચેનું યુદ્ધ પુરું થયું, એની વચ્ચે કેટલા બધા ‘સ્પેશીયલ ડેય્‌ઝ’ આવી ગયા ?
પણ બોસ, એની શું દશા થઈ છે ? યાદ કરો…

*** 

હોળી ૩ માર્ચે હતી, પણ ઇરાનમાં તો ચાર દિવસ પહેલાં જ ‘સળગી ચૂક્યું’ હતું !

*** 

અરે, આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ ૮ માર્ચે હતો પણ મોદીજીએ ૭ માર્ચે જ ગેસના બાટલામાં ૬૦ રૂપિયા વધારીને મહિલાઓના મગજમાં વઘાર કરી નાંખેલો !

*** 

આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિવસ હતો ૧૫ માર્ચે, પણ ચાર જ દિવસ પછી ૧૯ માર્ચે રિલીઝ થયેલી ‘ધૂરંધર-ટુ’ની ટિકિટોના ભાવ ૭૦૦-૮૦૦ અને ૧૦૦૦ રૂપિયા હતા ! બોલો.

*** 

અરે, શહીદ દિવસ હતો ૨૩મી માર્ચે… પણ એ જ દિવસે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ‘પેટ્રોલ નહીં મળે…’ની સાવ ખોટી અફવામાં શહીદ થવા માટે હજારો લોકો કલાકો સુધી પેટ્રોલપંપ આગળ લાઈનો લગાડીને ઊભા રહી ગયા હતા.

(કેમ કે ‘ફેક્ટ-ચેક દિવસ’ તો છેક ૨ એપ્રિલે હતો.)

*** 

એમ તો ‘એપ્રિલ ફૂલ’ના દિવસે જ કોમર્શિયલ ગેસના બાટલામાં ૨૦૦ રૂપિયાનો વધારો થયો હતો ! જેને સાચું માન્યા સિવાય છૂટકો જ ક્યાં હતો ?

*** 

અને ૪ એપ્રિલે જ્યારે ‘વર્લ્ડ હેલ્થ ડે’ હતો… એ જ દિવસે વર્લ્ડ ‘ગાજર દિવસ’ પણ હતો !

*** 

‘પંચાયતી રાજ દિવસ’ હતો ૨૪ એપ્રિલે, પણ કોંગ્રેસે ૭૦૦ સીટોની ભેટ આપીને ૧૫ એપ્રિલે જ તેને ‘બિનહરિફ રાજ દિવસ’ બનાવી દીધો હતો ! બોલો.

*** 

બાકી ૧લી મેના દિવસે જ કોમર્શિયલ સિલિન્ડરમાં ૯૯૩ રૂપિયાનો વધારો કરીને શું સરકાર ‘મજુર દિવસ’ ઉજવી રહી હતી ?

*** 

હા, મોદીના ભક્તો હવે ૪ મેને દર વરસે ‘ઝાલમુરી દિવસ’ તરીકે ઉજવશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments