જ્યાં મહિલાઓ હોય ત્યાં ‘બિલ’ ના હોય એવું તો બને જ નહીં ને ? એમાંય, હવે સૌ જાણે છે કે મહિલાનાં બિલ તો પતિઓએ જ ચૂકવવાનાં હોય છે !
પરંતુ કલ્પના કરો… જ્યારે ૨૦૨૯ પછી સસંદમાં ૩૩ ટકા મહિલાઓ બેઠી હશે ત્યારે કેવાં કેવાં બિલ પસાર થવા માટે આવતાં હશે ?...
***
સૌંદર્ય રાહત બિલ :
સુંદર દેખાવું એ તો મહિલાઓનો જન્મસિધ્ધ અધિકાર છે ! પરંતુ સૌંદર્ય પ્રસાધનો કેટલા મોંઘા છે ?
તો સૌથી પહેલો ખરડો આવશે કે નાનામાં નાની સ્ટિકર બિંદીથી લઈને મોંઘામાં મોંઘી મેકપ કિટ ઉપરના તમામ ટેક્સ દૂર કરવામાં આવે ! એટલું જ નહીં, તેની ખરીદી ઉપર સરકારી ‘સબસીડી’ આપવામાં આવે !
‘સુંદર હોગી મહિલા, તો સુંદર બનેગા દેશ’
***
લુક મેન્ટેનન્સ ભથ્થું બિલ :
માત્ર ચહેરો સુંદર રાખવાથી શું વળે ? દેશની મહિલાઓ એમની સાડીઓ, ડ્રેસિસ, જીન્સ, ટી શર્ટ, શરારા, ઘરારા, ચણિયા ચોળી, પર્સ, સેન્ડલ, બંગડીઓ, નેકલેસ, એરિંગ્સ વગેરેના ખર્ચા ક્યાંથી કાઢશે ?
તો એ માટે દરેક મહિલાના ખાતામાં દર મહિને અમુક રકમ ‘લાડકી ફેશન’ યોજના હેઠળ જમા કરવામાં આવે.
‘બઢેગી ફેશન, તો બઢેગા દેશ’
***
રાંધણ છઠ બિલ :
રાંધણ છઠના દિવસે મહિલાઓ આખો દહાડો રસોઈ કરે છે, પણ એમને રજા મળે છે ? ના ! તો હવે એ સમસ્યા દૂર થઈ જશે…
માત્ર રાંધણ છઠ નહીં, જ્યારે જ્યારે ઘરમાં ચારથી વધુ મહેમાનો આવી ચડે ત્યારે મહિલાઓ પોતાની ‘હક્ક રજા’ પાડી શકશે !
‘ભોજન પકાતી નારી, સારે વિશ્વ પે ભારી’
***
પ્રાથમિક રસોઈ શિક્ષણ બિલ :
શું રસોઈ છોકરીઓએ જ શીખવાની છે ? ના ! ભવિષ્યમાં છોકરાઓ છેક પતિ થશે ત્યારે શીખશે ? ના ! જાગ્યા ત્યારથી સવાર…
દરેક શાળાઓમાં ત્રીજા ધોરણથી જ છોકરાઓ માટે ‘રાંધણ કળા’નો વિષય ફરજિયાત હશે !
‘મર્દ બને રસોઈ કા રાજા, યહી હૈ સમય કા તકાજા’
***
… અને ‘સેલ્ફી’ !
હાલમાં સંસદ પરિસરમાં સેલ્ફી લેવા ઉપર જે પ્રતિબંધ છે એ તો મહિલાઓ ઉપર ઘોર અત્યાચાર જ છે ને ? એટલે…
‘મહિલા કી સેલ્ફી દેશ કી સેલ્ફી’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment