આજે ગુજરાતનાં મ્યુનિ. કોર્પોરેશનો, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી છે. પણ ‘ચૂંટણી’ એટલે કે કોઈને ચૂંટવાની, પસંદ કરવાની કેટલી ચોઈસ બચી છે આપણી પાસે ?
***
ખાટલે એજ મોટી ખોડ છે
આપણી પાસે ફક્ત વોટ છે
ઉપરથી નેતાઓ જાણે છે પાકું
કે જનતા બિચારી ભોટ છે !
***
દેવો છે વોટ પણ કોને દઈએ ?
વિરોધ કરનારા જ બેસી ગયા
કોઈ વેચાઈ ગયા કોઈ વહેંચાઈ ગયા
એમને પણ વ્હાલી ‘નોટ’ છે !
***
રસ્તા બંધાયા છે ઓન પેપર
પૂલો બંધાયા કમિશન ઉપર
જાણે છે જનતા, ને ગુસ્સો પણ છે
ત્યારે જ વિપક્ષે કેમ ‘મ્યુટ’ છે ?
***
ભીનું સંકેલાયું મોરબીમાં
પછી જ બેઠા ’તા અનશન પર !
કર્યું નિવેદન, ફરકાવ્યું બેનર
લો, છપાઈ ગઈ પ્રેસ-નોટ છે !
***
ટીવીમાં કાલે જે કરતા દેકારો
એમના જ બદલાયા ખેસ છે !
જ્યાંથી મળે છે, ત્યાંથી લઈ લેશે
નહિતર, સેવાના ધંધામાં ખોટ છે !
***
ઉપરથી આવ્યો ગરમ ઉનાળો
સળગે છે જાણે અગન ગોળો
એમાં બેઠો વળી લગનગાળો
આમાં, ‘અમુલ્ય’ કોના કોના વોટ છે ?
***
સૂતા રહીશું તો સૂવડાવી દેશે
ઘરમાં રહીશું તો ઘાટ ઘડી દેશે
આજે આ આખરી તક છે
‘નોટા’ પણ આખરે તો વોટ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment