નવી બિન હરીફ લોકશાહી !

‘લો ! ભાજપે ૭૦૦થી વધારે સીટો તો બિનહરીફ જ જીતી લીધી !’

‘ભાજપ ઝિંદાબાદ ! ભાજપ ઝિંદાબાદ !’

‘શું ઝિંદાબાદ કરો છો ? આમાં તો મતદારોનો મતાધિકાર જ છીનવાઈ ગયો ને ?’

‘તો કોણે છીનવ્યો ? ભાજપે કે ફટ્ટુસ કોંગ્રેસી ઉમેદવારોએ ?’

‘જુઓ, એમને ધમકાવ્યા, ડરાવ્યા… દાદાગિરી કરી…’

‘અચ્છા ? પહેલાં તો છાતી કાઢીને કહેતા હતા કે અમે ભાજપથી ડરતા નથી ! તો હવે શેના ડરી ગયા ?’

‘અરે ખોટા પોલીસકેસની ધમકી આપે છે.’

‘અલ્યા, જો ઉમેદવારો પોતે જ ડરપોક નીકળશે તો નિર્દોષ પ્રજાને કોણ બચાવશે ?’

‘પેલા બુદ્ધિજીવીઓ બેઠા છે ને ? એ આવશે બચાવવા ! હીહીહી…’

‘આ હસવાની વાત નથી. ચૂંટણી અધિકારીઓ ખુદ અમારાં ફોર્મમાં વાંધા કાઢે છે.’

‘અલ્યા, દોઢસો વરસ જુની પાર્ટી છો, છતાં હજી ફોર્મ ભરતાં નથી શીખવાડ્યું ? અને જો ખબર જ હતી, કે અધિકારીઓ વાંધા વચકા કાઢવાના છે તો ૨૪ કલાક પહેલાં, અરે, બે દિવસ પહેલાંથી ફોર્મ ના ભરાય ? અને મેન્ડેટમાં શું એવા મોતી ટાંકવાના હોય કે છેક છેલ્લી ઘડીએ પણ ના પહોંચે ?’

‘જવા દોને બોસ, નામ પુરતો વિરોધ પક્ષ છે, પણ વિરોધ કરતાંય ક્યાં આવડે છે ?’

‘તમને અત્યારે નહીં સમજાય… પણ ધીમે ધીમે ભારત રશિયા અને ચીન જેવું થઈ જશે !’

‘અરે વાહ ! આપણું ઇન્ડિયા ચીન અને રશિયા જેવું પાવરફૂલ બની જશે ? તમારા મોંમાં ઘી-શક્કર ભઈલા !’

‘એમ નહીં… રશિયા અને ચીનમાં પણ નામ પુરતી જ લોકશાહી છે ને, એવું થશે ભારતમાં !’

‘તો એના માટે જવાબદાર કોણ ? જે ડરાવે છે એ ? કે જે ડરી જાય છે એ ? જે ખરીદે છે એ ? કે જે વેચાઈ જાય છે એ ?’

‘….....’

‘બોલો, બોલો ?’

‘બધી વાત માટે મોદી જ જવાબદાર છે !’

‘યસ ! આ વાત સાથે ગુજરાતના ભણેલા ગણેલા, સમજદાર, ઉદારવાદી, બિન સાંપ્રદાયિક અને લોકશાહીને વરેલા તમામ જ્ઞાની બુદ્ધિજીવીઓ સો ટકા સહમત છે ! લગે રહો…’

‘શેમાં ?’

‘સહાનુભૂતિમાં, બીજા શેમાં ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments