કહે છે કે ફરી એકવાર પાકિસ્તાનમાં જ શાંતિમંત્રણાઓ થવાની છે ! બીજી બાજુ ખબર આવ્યા છે કે અગાઉની બેઠકો જ્યાં થઈ હતી તે ફાઈવ સ્ટાર હોટલનું બિલ પાકિસ્તાન સરકારે ચૂકવ્યું નથી !
આવી સ્થિતિમાં પાકિસ્તાનની નવી શરતો કેવી હશે ?
***
જુઓ સાહેબો, આવવું હોય તો જરૂર આવો, પણ પેલી હોટલનું બિલ ચૂકવવાના પૈસા પહેલાં મોકલી આપજો !
અને આ વખતે જે બિલ થાય તે તમે બંને પાર્ટીઓ ફીફ્ટી-ફીફ્ટીમાં વહેંચી લેજો ! … હા…
***
બીજું કે, જો તમને અહીં ઇમ્પોર્ટેડ મર્સિડીસોમાં ફરવું હોય તો તમારું પોતાનું પેટ્રોલ-ડિઝલ પણ સાથે લેતા આવજો ! અહીં અમને ૩૫૪ અને ૪૧૫માં પડે છે !
***
જો ટ્રાન્સપોર્ટેશન અમારે માથે હોય તો ઘોડાગાડીઓ જ મળશે ! પછી કહેતા નહીં… કેમકે અમારા આતંકવાદીઓ હૂમલો કરે પણ ખરા ! (કેમકે એ લોકો તો અમારી સાથેની શાંતિમંત્રણામાં માનતા જ ના હોય ને ?)
***
અમારું ઇસ્લામાબાદ વધુ ત્રણ દહાડા માટે જડબેસલાક બંધ રાખવું પડશે ! એની નુકસાની કોણ ભરશે ? અંદરો અંદર નક્કી કરીને પછી જ આવજો !
***
તમારા મનોરંજન માટે પૈસા તો છે જ નહીં, છતાં તમને પાકિસ્તાન ક્રિકેટ લીગની મેચો જોવા લઈ જઈશું !
કેમકે સ્ટેડિયમો તો આમ પણ ખાલી જ રાખ્યાં છે ! એટલે ટિકીટનો કોઈ ખર્ચો નથી. ઉલ્ટું, તમે આવશો તો ટીવીમાં જે બસ્સો પાંચસો લોકોની વ્યુઅરશીપ વધી એ સાચી…
***
મેન ઓફ ધ મેચ વગેરે ઇનામોમાં કારની ટાંકી ફૂલ કરી આપવાની જાહેરાત કરજો ! તો કદાચ પ્લેયરો પણ સરખું રમશે!
***
ઈરાનના સાહેબો માટે સ્પેશીયલ સીટી ટુર ગોઠવી છે. અહીં તમને જાહેરમાં બુરખા અને હિજાબ પહેર્યા વિનાની સેંકડો મહિલાઓ જોવા મળશે ! (વળી આનો કોઈ એકસ્ટ્રા ચાર્જ પણ નથી.)
***
ફાઈનલી, અમારી ૧૦૧ ટકા કોશિશ રહેશે કે બંને પાર્ટીઓને નોબેલ પ્રાઈઝ મળે. પણ એ પછી બિલ્લાઓ ભલે તમે રાખો, પણ ઇનામની રકમમાં ફીફટી ફીફટી ભાગ અમને આપવાનો રહેશે !
***
(ખાસ નોંધ : જમવાની આઈટમોનું મેનુ મોકલ્યું છે. એ સિવાય કંઈ પણ ખાવા-પીવાની ઇચ્છા હોય તો… જાતે ઘરેથી લઈ આવવા વિનંતી છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment