આખરે એ જ થયું જેની ખાતરી હતી ! ઇસ્લામાબાદમાં પેલી શાંતિમંત્રણા નિષ્ફળ ગઈ ! પરંતુ એમાં જે થયું તેમાં અમુક ગુજરાતી સુગમ સંગીતના સૂરો બહુ ફીટ થાય છે…
***
(પાકિસ્તાન ગાતું હતું)
‘આવો તોયે સારું,
ન આવો તોયે સારું !
તમારું જ ધન,
છે તમારાથી પ્યારું…’
***
(ઈરાને કડક વલણ રાખ્યું)
‘હોર્મુઝને બંધ રાખીને
અમોએ તમને ધોયા છે
હમાસ કરતાં વધારે પણ
અમોએ તમને ધોયા છે !’
***
(રશિયાએ ચીનને ખાનગીમાં કહી રાખ્યું હતું)
‘ઓ ચીન, તુજને શરીફ પણ
એક દિ, છેતરી જાશે
પ્રથમ એ ચમચો બનશે
ને પછી એ ટોપી દઈ જાશે !’
***
(પેલી બાજુ ખોમેનીનો દિકરો મિસાઈલ હૂમલામાં ઘાયલ થઈને રડતો હતો.)
‘પૂછો તો ખરા…
ઘાયલને શું થાય છે ?
ટાંગો તૂટી ગઈ ને
ચહેરા પર ઘાવ છે !
પૂછો તો ખરા…?’
***
(ઇરાનને આખા તમાશામાં પહેલેથી જ ભરોસો નહોતો.)
‘ઇરાનને આ પિંજરું
બહુ ભેદી લાગે
બહુ રે સમજાવ્યું તોયે
ઈરાન, ખાડી-ટોલ માગે !’
***
(આખી વાતમાં સમજવા જેવું આ જ છે કે આ તો ચાલતું જ રહેવાનું !)
‘હૂતૂતૂતૂ… જામી યુદ્ધની આ ઋતુ
એકમેકના થઈને
ટાંગ ખેંચતા રહીને
જગત રમતું આવ્યું છે
ને રમશે હૂતૂતૂતૂ…
ટ્રમ્પ ને મુનીર રમે
વાન્સ ને ખોમેની રમે
વાટાઘાટની ઓથે બેસી
સંતાડેલી શાંતિઓને
શોધવા ધતિંગ રમે
હૂતૂતૂતૂ હૂતૂતૂતૂ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment