ખબરોં કા ખુલાસા !

ગુજરાતમાં સામી ચૂંટણીએ જે વિચિત્ર પ્રકારની ખબરો સામે આવી છે તેના ખુલાસાઓ કરવાની પણ એટલી જ જરૂર છે ! વાંચો…

*** 

ખબર :
અમદાવાદ શહેરની ચૂંટણીમાંથી કોંગ્રેસના સાત ઉમેદવારો જાતે જ ખસી ગયા.

ખુલાસો :
જુઓ, જે ઊંચી નસલના રેસના ઘોડા હોય તે આવી આલતુ ફાલતુ દોડમાં ઉતરતા નથી હોતા.

*** 

ખબર :
સામ, દામ, દંડ અને ભેદની નીતી વડે ભાજપના લગભગ ૭૦૦ સીટોને બિન-હરીફ કરાવી દેવા માગે છે.

ખુલાસો :
આમાં બિચારા ચૂંટણીપંચનો ભાર ઘટાડવાનો જ નેક ઈરાદો છે ! એટલું જ નહીં, બિચારા હજારો સરકારી શાળાના શિક્ષકો તથા અન્ય સરકારી કર્મચારીઓને ચૂંટણી ન થવાને કારણે આ બળબળતા ઉનાળામાં ‘રજા’નો આનંદ મળશે, એ કંઈ નાનીસૂની વાત છે ?

*** 

ખબર :
સુરતમાં ‘આપ’ના ૧૨૧ ઉમેદવારોને અપહરણ, લાંચ અને ધમકીથી બચાવવા માટે ફાર્મહાઉસમાં ગોંધી રાખવામાં આવ્યા.

ખુલાસો :
જુઓ, ‘આપ’ ખરેખર તો આપને (એટલે કે તમને) બચાવવા માટે જ આ ટ્રેનીંગ પ્રોગ્રામ કરી રહ્યું છે… કે ભવિષ્યમાં જો આપને (એટલે કે તમને) કોઈ કિડનેપ કરવા માગે, કે ધમકી આપે તો શું કરવું ? બસ ‘આપ’ની જેમ જ કોઈ ફાર્મહાઉસમાં જતા રહેવું ! ઓકે ? સમજી ગયા ?

(જોકે લાંચ મળતી હોય તો… આપ જાણો !)

*** 

ખબર :
અમુક ઉમેદવારોના ઘરમાં શૌચાલય બંધાવેલું ના હોવાથી એમનાં ફોર્મ રદ થયાં.

ખુલાસો :
અરે ભાઈ ! જે ઉમેદવાર પોતાના ઘરમાં શૌચાલય બનાવી શકે એટલા રૂપિયા ના બનાવી શકતા હોય એને પોલિટિક્સમાં આવવાનો અધિકાર જ ના હોય ને ? તમે સમજો…

*** 

ખબર :
ચૂંટણીમાં પોલીસદળનો દુરુપયોગ કરવાથી ભાજપના કમળ ઉપર ‘ખાખી’ના ડાઘ પડ્યા છે.

ખુલાસો :
તો શું થયું ? ભાજપ પાસે તો ભલભલાના ડાઘ દૂર કરી આપે એવો વોશિંગ પાવડર છે જ ને ! જય લોકશાહી…

***

- મન્નુ શેખચલ્લી

Comments