ઈરાનની 'પ્રેક્ટિકલ' શરતો !

ઈરાને યુદ્ધવિરામ માટે જે શરતો મુકી છે એ અમેરિકાને મંજૂર હોય એવું લાગતું જ નથી ! એના કરતાં અમારા હિસાબે થોડી ‘પ્રેક્ટિકલ’ શરતો હોવી જોઈએ ! જેમકે…

*** 

(૧) અમેરિકાના પ્રેસિડેન્ટ ગાળાગાળી નહીં કરે ! ‘એફ’થી શરૂ થતો શબ્દ, શરીરના પૃષ્ઠભાગ વિશેનો શબ્દ, અનૌરસ સંતાન માટેનો શબ્દ તથા અન્ય કોઈપણ અપશબ્દ બોલશે તો અપશબ્દ દીઠ અમેરિકા ઇરાનને ૧૦ મિલિયન ડોલરનો દંડ ચૂકવશે !

*** 

(૨) અમેરિકાના પ્રેસિડેન્ટ જે બોલે છે તે કરી બતાડે ! અર્થાત્‌ જો પરમાણુ ફેસિલીટી પર હૂમલો કરવાની વાત કરે તો હૂમલો કરીને બતાડે ! ઈરાનને નરક બનાવવાની વાત કરે તો કરીને બતાડે ! ટુંકમાં જે જે ધમકી આપ્યા પછી ફસકી જાય છે, તો દરેક ‘ગીદડ ભપકી’ દીઠ ૧ બિલિયન ડોલરનો દંડ ચૂકવશે !

*** 

(૩) મંગળવારની રાતે ભયાનક હૂમલો કરવાની ધમકી આપ્યા પછી બુધવારની સવાર થતાં થતાં તો અમેરિકન પ્રેસિડેન્ટ યુદ્ધવિરામની પીપૂડી વગાડવા લાગ્યા ! જો ફરીવાર આવું કરશે તો અમેરિકાના પ્રેસિડેન્ટ તેહરાનના ખુલ્લા મેદાનમાં ઘૂંટણિયે પડીને ઇરાનની જનતા સામે અને આખા વર્લ્ડમાં ‘લાઈવ’ ટેલિકાસ્ટમાં આવીને પોતાના નાક વડે જમીન ઉપર પુરા બે  મીટરની લીટી તાણીને બતાડશે !

જો એવું નહીં કરે, તો યુદ્ધવિરામ થશે જ નહીં ! સમજ્યા ?

*** 

(૪) અમેરિકાના પ્રેસિડેન્ટ એમની પુરાણી આદત મુજબ ‘અબી બોલા અબી ફોક’ કરીને યુદ્ધવિરામ હોવા છતાં ઇરાન ઉપર હૂમલો ના કરી નાંખે, એ સ્થિતિને ટાળવા માટે પ્રેસિડેન્ટ એમની દિકરી ઈવાન્કાને ઈરાન ખાતે ‘ગિરવી’ રાખશે !

*** 

(૫) આની સામે ઈરાન પણ વચન આપે છે કે ઈરાન અમેરિકન પ્રેસિડેન્ટની મજાક ઉડાડતાં કાર્ટૂનો, જોક્સ અને વિડીયો નહીં બનાવે કેમકે એ કામ તો અમેરિકાના પોતાના જ કોમેડીયનો કરી રહ્યા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments