બધા કહે છે કે પેલા ટ્રમ્પનું ચસકી ગયું લાગે છે. પરંતુ હકીકતમા ટ્રમ્પના ફક્ત દિમાગમાં જ નહીં, આખા શરીરમાં બહુ મોટા લોચા છે ! જુઓ આ ખૂફિયા મેડિકલ રીપોર્ટ…
***
નામ : ડોનાલ્ડ ટ્રમ્પ
ઉંમર : શારીરિક ૭૯, માનસિક : ૧૨ વર્ષ
ઊંચાઈ : સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બે ઇંચ વધારે, (એવું એ માને છે)
વજન : આખી દુનિયાના તમામ દેશોને ભારે પડે એટલું.
***
આંખનો રિપોર્ટ :
દરદીની આંખ રંગભેદ કરી શકતી નથી. અર્થાત, દરદીને શ્વેત રંગ સિવાયના તમામ રંગોની સખત એલર્જી છે. એટલું જ નહીં, શ્વેત રંગને સુપ્રીમ માને છે.
***
કાનનો રિપોર્ટ :
ડાબા અને જમણા કાન વચ્ચે એક મોટું પોલાણ જોવા મળે છે જેના કારણે એક કાને સાંભળેલી વાત બીજા કાનેથી બારોબાર નીકળી જાય છે. કોઈની પણ વાત મગજ સુધી પહોંચતી નથી.
***
જીભનો રિપોર્ટ :
વાસનાને કારણે ટપકતી લાળનું પ્રમાણ વધારે પડતું છે. ચીકાશ પણ વધારે હોવાથી જીભ વારંવાર લપસે છે. આ ઉપરાંત જીભમાં એક વિચિત્ર લક્ષણ જોવા મળ્યું છે કે તે પોતાનું જ થૂકેલું વારંવાર ચાટી જાય છે.
***
હાથનો રિપોર્ટ :
વારંવાર મુઠ્ઠીઓ ભીંસાઈ જાય છે. ઓઇલ, ખનિજ કે ધન નજરે પડતાં જ હથેળીમાં સળવળાટ થવા લાગે છે. આંગળીઓ ઉપર કાબૂ નથી. બિનજરૂરી ચીજોમાં આગળી કરી બેસે છે.
***
પગનો રિપોર્ટ :
સેઇમ પ્રોબ્લેમ. બીજાની બાબતોમાં ટાંગ અડાડવાની કંપલ્સીવ ડિસ-ઓર્ડરની બિમારી ધરાવે છે.
***
પેટનો રિપોર્ટ :
કોઈપણ વાતે ધરાતું નથી. તેમજ પેટ ચોળીને જાતે જ પીડા ઊભી કરવાની જુની બિમારી છે.
***
મગજનો રિપોર્ટ :
અસંખ્ય કેમિકલ લોચા તો છે જ. આ ઉપરાંત મગજનું ટેમ્પરેચર સતત હાઈ રહે છે. જુની ગ્રંથિઓ છૂટતી નથી. નવી માહિતી માટે જગ્યા જ નથી. અને ખાસ, મગજનો આકાર તળિયા વિનાના લોટા જેવો થઈ ગયો છે !
***
હાર્ટનો રિપોર્ટ :
મિસિંગ છે… જી હા, આખા શરીરમાં ક્યાંય હાર્ટ જેવી કોઈ ચીજ મળી જ નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment