ગબ્બરની ચીઠ્ઠી: એક ગ્લોબલ વારતા !

રાજકીય પંડીતો કહે છે કે આજે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે માત્ર ત્રણ દેશો વચ્ચેનું નહીં પણ ‘ડોલરના ડોમિનન્સ’ સામેનું યુદ્ધ છે. સવાલ એ છે કે આ ‘ડોમિનન્સ’ આવ્યું ક્યાંથી ? તો સાંભળો વારતા…

*** 

આ વારતા ગબ્બરની છે. ગબ્બર દસ ગામના વિસ્તારનો બહુ મોટો ગુન્ડો હતો.

એક દિવસ ગબ્બરનો જન્મદિવસ હતો. એણે એના એક ટપોરીને કહ્યું : ‘જા, ગામમાં જઈને ૫૦૦ રૂપિયાની બિરીયાની લઈ આવ. આપણે પાર્ટી કરીશું…’

ટપોરી કહે ‘બોસ પૈસા ?’

ગબ્બરના ખિસ્સાં ખાલી હતાં ! પણ ગબ્બરે ચપટી વગાડીને ખિસ્સામાંથી એક કોરો કાગળ કાઢ્યો. એની ઉપર લખ્યું ‘૫૦૦ રૂપિયા.’ અને નીચે પોતાની સહી કરી ‘- ગબ્બર.’

ટપોરી એ કાગળ લઈને ગામના ઢાબે ગયા. ચીઠ્ઠી આપીને કહે છે ‘ગબ્બરે ૫૦૦ રૂપિયાની બિરીયાની મંગાવી છે.’

ઢાબાવાળો હસવા લાગ્યો. એણે ચીઠ્ઠી ફાડી નાંખી. ‘જા જા ! આવી ચીઠ્ઠી વડે તો હું એંઠા હાથ પણ લૂછતો નથી !’

ગબ્બરને ખબર પડી. એ આવ્યો અને ઢાબાવાળાને ભડાકે દઈ દીધો !

દસેદસ ગામોમાં સોપો પડી ગયો. ગબ્બરે ત્યાં ને ત્યાં બીજી ચીઠ્ઠી લખીને બીજા ઢાબેથી ૫૦૦ની બિરીયાની મંગાવી.

બસ, પછી તો શું ? ગબ્બરને જ્યારે મન થાય ત્યારે મામુલી કાગળ ઉપર રકમ લખે, સહી કરે, અને જોઈતી ચીજ મંગાવી લે!

ગબ્બર સામે પડવાની હિંમત કોણ કરે ? 

આમને આમ ચાલતું રહ્યું. પણ છેવટે એક ઢાબાવાળાએ જઈને કીધું ‘સરકાર મારી પાસે તમારી બસ્સો ચીઠ્ઠીઓ પડી છે. એનું શું કરવું ?’

ગબ્બરે કહ્યું ‘એના વડે તું દાલ-ચાવલની ખરીદી કર ? મરી મસાલ લાવ ? તેલ, કોલસા, કેરોસીન જે જોઈએ તે લાવ ? જોઉં છું, તને કોણ રોકે છે ?’

બસ ત્યારથી દસ નહીં આજુબાજુના પચાસ ગામમાં ગબ્બરની ચીઠ્ઠી ‘કરન્સી’ તરીકે ચાલવા લાગી !

જો આ વારતામાં આટલી સમજ પડી હોય તો સમજી લો કે આજે દુનિયામાં મોટા મોટા ચાર ગબ્બર છે : અમેરિકા, રશિયા, ચીન અને યુરોપ !

***

- મન્નુ શેખચલ્લી

Comments