એક ગઝલ... સિલિન્ડરની !


ગુજરાતના ખ્યાતનામ શાયર ‘મરીઝ’ની માફી સાથે પ્રસ્તુત છે એક ગઝલ સિલિન્ડરની…

*** 

વિરહ છે, મિલન છે
વચન છે, છલન છે
સિલિન્ડરમાં તોફાન
ભાળી રહ્યો છું
તમાશા નવા છે
કતારે… કતારે…

*** 

નહીં પ્રગટે શું ?
ફરી જ્યોત ભૂરી ?
નહીં મળશે શું ?
ગરમ ચા ઉકળતી ?
સંતાપ સહુના ઘરમાં
સવારે… સવારે…

*** 

ગયા એ જમાના
સજનની ખબરના,
કે આવી રહ્યાં છે…
આવી ગયાં છે…
હવે જાગે છે આશા
જહાજે… જહાજે…!

*** 

નથી ડર કોઈને
ના વૉરની પડી છે
છતાં જામી અહીંયા
અફરા-તફરી બડી છે
આ ‘બાટલા’ની અછતના
વિચારે… વિચારે…!

*** 

શું કોઈ ગરીબ કે
શું તવંગરને જોયો
સિલિન્ડરની દુનિયામાં
એક રંગ જોયો…
થઈ લાલ સહુની
સમાચારે… સમાચારે !

*** 

અમસ્તો અમસ્તો
હતો પ્રશ્ન મારો
હકીકતમં છે કે
આ ખોટી છે તંગી ?
થયાં કેમ ‘કાળાં’
બજારે… બજારે…?

*** 

વધી ઝંખના જો
ગૃહિણીની અંદર
તો એનું નિવારણ
‘એકસ્ટ્રા’ સિલિન્ડર
દોડાવે ધણીને
વધારે… વધારે…!

*** 

આપે છે સાંત્વન
ને પાડે દરોડા
હુકમ જેટલા છે
છે એટલાં જ રોડાં
બનતું જ રહ્યું આ
જ્યારે… ને ત્યારે…!

*** 

મરણ કે જીવન હો
એ બન્નેની સ્થિતિમાં
‘મન્નુ’ એક લાચારી
કાયમ રહી છે…

સડક કરતાં ખાડા
કિંમત કરતાં ભાડાં
શાણા કરતાં ગાંડા
ને પાયજામા કરતાં નાડાં
રહ્યાં છે હંમેશા
વધારે…! વધારે…!!

***

- મન્નુ શેખચલ્લી

Comments