ઇરાનવાળી વૉર ફાટી નીકળ્યા પછી એવી એવી વાતો સોશિયલ મિડીયામાં ફરવા લાગી છે કે આપણને કહેવાનું મન થઈ જાય કે… ‘કહેતા ભી દિવાના ? ઔર સુનતા ભી દિવાના ?’
***
કહે છે કે વૉરના લીધે ઓઇલની કિંમતો વધી એમાં રશિયાએ ૨૫ દિવસમાં કરોડો ડોલરની કમાણી કરી લીધી !
અલ્યા, છેલ્લાં ત્રણ વરસથી રશિયા ભારત અને ચીનને ડિસ્કાઉન્ટ ભાવે લાખો ટન ઓઈલ આપતું રહ્યું એનું કંઈ નહીં ?
કહેતા ભી દિવાના…સુનતા ભી દિવાના…
***
કહે છે કે ઇરાને વૉરનો ફાયદો ઉઠાવીને ઓઈલના ધંધામાં અને હોર્મુઝ ખાડી પરથી જહાજ પસાર કરવાના નામે ચાર્જ વસૂલવાના નામે જોરદાર કમાણી કરી લીધી !
અલ્યા, છેલ્લાં ૪૭ વરસથી ઈરાન ઉપર જે સત્તર જાતના વેપાર પ્રતિબંધો હતા એમાં આખું ઈરાન ખુવાર થઈ ગયું, એનું કંઈ નહીં ?
કહેતા ભી દિવાના… સુનતા ભી દિવાના…
***
કહે છે કે જો લડાઈ લાંબી ચાલશે તો અમેરિકા પાસે મિસાઈલો અને શસ્ત્રોનો જે સ્ટોક છે એ ખલાસ થઈ જશે !
અલ્યા, જે દેશ છેલ્લાં ૫૦ વરસથી દુનિયાના તમામ દેશોને અંદર અંદર લડાવે છે અને પછી ત્યાં જઈને પોતાના શસ્ત્રો વેચ છે, એની પાસે ‘સ્ટોક’ ના હોય ?
કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના…
***
પણ હા, એક સમયે આપણે છાતી કાઢીને કહેતા હતા કે, ‘રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની ‘મંજુરી’ આપનાર અમેરિકા છે કઈ વાડીનો મૂળો ?’
એના થોડા જ દિવસોમાં ભારતના કરોડો ઘરમાં ગેસના ચૂલા ઉપર જે રોટલા બની રહ્યા છે તેનો આધાર ઈરાનની ‘મંજુરી’ ઉપર આવી ગયો છે !
બોલો, શું દહાડા આવ્યા છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment