અમે રણઝણસિંહના ઘરમાં દાખલ થતાં જ વધામણી આપી : ‘સાંભળ્યું ? આપણી રિલાયન્સ કંપની અમેરિકામાં ૩૦૦ અબજ ડોલરની રિફાઈનરી નાંખશે !’
‘ભક્તોએ રાજી થઈને ઢોલ પીટવા માટેની આ ખબર સારી છે ! તુંય બવ હરખપદૂડો થ્યો લાગે છે.’
‘હાસ્તો વળી? જે ટ્રમ્પ છેલ્લા છ મહિનાથી ભારતની સતત પૂંછડી આમળ્યા કરતો હતો એ કેવો સીધો થઈ ગયો ? આમાં તો ભારતનો ડંકો વાગી ગયો એમ જ કહેવાય !’
રણઝણસિંહે અમારા ઉભરાતા ઉત્સાહના તપેલામાં ટાઢું પાણી રેડતા હોય એમ વીલું ડાચું કરીને બોલ્યા : ‘ભેંસ ભાગોળે, છાશ છાગોળે, ને ઘરમાં ધમા ધમ…’
‘કેમ આવું આડું બોલો છો ?’
‘તો શું બોલું ? તને શું લાગે છે મન્નુડા, આ ટ્રમ્પડો અબી બોલા અબી ફોક કરીને આખી વાતમાંથી ફરી નઈ જાય ઈની શી ગેરંટી છે ?’
‘ના ના… આ વખતે તો -’
‘અરે મન્નુડા, છેલ્લા ચૌદ મહિનામાં એ જગતનો જમાદાર એકસો ને ચાળીસ વાર બોલ્યામાંથી ફરી ગ્યો છે ! અને છતાં તને લાગે છે કે આ વખતે તો…’
હવે અમે મુંગામંતર થઈ ગયા. મને મુંગો જોઈને રણઝણસિંહે સામેથી સળી કરી : ‘મન્નુડા, અમેરિકાના સપનાં છોડ અને ભારતની વાત કર… આયાં ગેસના બાટલાની ઝાળ કરોડો લોકોને દઝાડી રઇ છે, એનું શું ?’
અમે લૂલો બચાવ કરતાં કહ્યું, ‘હા, અમુક તત્વોએ અફવા ફેલાવી છે કે ગેસ નહીં મળે.’
‘અમુક તત્વો નહીં, ખુદ સરકારે જ પલીતો ચાંપ્યો છે.’
‘શું વાત કરો છો ?’
‘હાસ્તો વળી ? ખુદ સરકારે રાતોરાત રાંધણગેસના બાટલામાં ૬૦ રૂપિયાનો વધારો ઝીંકી દીધો ! ઉપરથી જાહેર કર્યું કે અછતને પહોંચી વળવા ઉત્પાદન વધારવામાં આવશે…. અને બાકી હતું તે બુકિંગની મુદતમાં ત્રણથી પાંચ દહાડાનો વધારો કરી દીધો ! આનાથી પ્રજામાં ફફડાટ નો ફેલાય તો શું હાશકારા થાય ?’
‘ના, પણ હવે તો સરકારે કહ્યું છે ને કે બબ્બે જહાજો આવી રહ્યાં છે… ગેસની જરાય અછત નથી..’
‘જો એવું જ હોય, મારા વ્હાલા, તો સરકાર પેલો ૬૦ રૂપિયાનો ભાવવધારો પાછો કેમ નથી ખેંચી લેતી ?’
અમે હવે રણઝણસિંહની દલીલ સામે નતમસ્તક થઈને માથું ખંજવાળતા હતા ત્યાં એમણે વધુ એક ટપલું માર્યું :
‘આ તો એવી જ વાત થઈને, કે ઘર ઉપર કાકડો ય પોતે ફેંકવો, એમાં કેરોસીન પણ પોતે જ છાંટવું… ને પછી ભીડ ભેગી થાય ત્યારે પાણીની ડોલમાંથી ખોબલે ખોબલે છાલકું મારીને આગ ઠારવાનો ઢોંગ પણ પોતે જ કરવો… વાહ રે વાહ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment