આમ તો દર વખતે જ્યારે પ્રજા વોટ આપે છે ત્યારે નેતાઓના ‘બાટલા’માં જ આવી જતી હોય છે. પરંતુ આ વખતે પ્રજા ગેસના બાટલામાં ફસાઈ છે… હવે જુઓ શું શું થઈ રહ્યું છે અને શું શું થશે…
***
લગ્નના આમંત્રણ કાર્ડમાં લખ્યું હશે ‘ભોજન સાંજે ૭ વાગ્યાથી ‘વહેલા તે પહેલા’ના ધોરણે… બાટલમાં ગેસ હોય ત્યાં સુધી જ!’
***
એક રેસ્ટોરન્ટે પાટિયું માર્યું હશે : ‘ગેસના બાટલાની અછતને કારણે રેસ્ટોરન્ટ બંધ છે.’
એની બાજુની રેસ્ટોરન્ટે ભોજનના ભાવ ડબલ કરીને પાટિયું માર્યું હશે : ‘શુધ્ધ સાત્વિક અને ઓર્ગેનિક ભોજન… માત્ર ચૂલા ઉપર બનેલી વાનગીઓ માટે પધારો !’
***
ઘર ઘરમાં એવી સ્થિતિ હશે કે ગેસના ચૂલા ઉપરની તપેલી ઠંડી હશે અને પત્નીની તપેલી ‘તપેલી’ હશે !
***
દરદી ડોક્ટરને કહેશે ‘સાહેબ, ગેસની તકલીફ છે…’
ડોક્ટર કહેશે : ‘તમારી જ નહીં, આખા દેશની આ તકલીફ છે !’
***
નેતાજી પૂછતા હશે ‘આ ગેસનાં કાળાંબજાર કેમ પકડાતાં નથી?’
સરકારી અધિકારી કહેશે ‘ક્યાંથી પકડાય ? ગેસનો બાટલો લાલ હોય છે અને ગેસની જ્યોત ભૂરી નીકળે છે !’
***
એ દિવસ હવે દૂર નથી….
- જ્યારે સંબિત પાત્રા આપણને લાકડાં તથા છાણાં વડે બનેલા ભોજનના સત્તર ફાયદા ગણાવતા હશે !
- જ્યારે નાણાં મંત્રાલયની જેમ એક નવું છાણાં મંત્રાલય ચાલુ કરવામાં આવશે !
- જ્યારે ગલગોટિયા યુનિવર્સિટીનો રોબોટ ગટરમાંથી નીકળતા ગેસ વડે ‘વિકસિત ભારત’ લખેલા ફૂગ્ગાઓ ઉડાડીને તાળીઓ ઉઘરાવતો હશે !
- અને હદ તો ત્યારે થશે જ્યારે કોઈ બગીચાની બહાર ગેસના ફૂગ્ગા વેચનારા ફેરિયાની ‘સંઘરાખોરી’ બદલ ધરપકડ થશે !
***
રેસ્ટોરન્ટના બિલમાં છેલ્લે નવી આઈટમ ઉમેરાશે : ‘જીએસટી તથા ગેસ ચાર્જીસ એકસ્ટ્રા…’
***
અને એકાદ ચૂંટણી નજીક આવવા દો… ગેસના બાટલા ઉપર મોદીજીના ફોટા હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment