જ્યારે સુભાષ ઘાઈએ ‘સૌદાગર’ જેવી મેગા બજેટ મુવી માટે દિલીપકુમાર અને રાજકુમાર જેવા બે દિગ્ગજોને એક સાથે લઈને ફિલ્મ એનાઉન્સ કરી ત્યારે મુંબઈની ઇન્ડસ્ટ્રીમાં સૌનું એક જ રિ-એક્શન હતું : ‘આ બૈલ મુઝે માર !’
લગભગ સૌનું માનવું હતું કે બોસ, આ ફિલ્મ કોઈપણ હિસાબે રિલીઝ નામની ‘વૈતરણી’ પાર કરી શકશે નહીં ! એના બે કારણ હતા :
એક તો છેક ૧૯૫૯માં આવેલી ‘પૈગામ’ પછી આ બંને મહાનુભાવોએ કદી સાથે કામ કર્યું નહોતું. એ તો ઠીક, પણ ‘વક્ત’ પછી રાજકુમારનો ઘમંડ એટલો બધો વધી ગયો હતો કે એ ભાઈસાહેબ દિલીપકુમાર જેવા સ્ટારને પોતાની સામે સાંખી શકે એ વાતમાં માલ નહોતો.
બીજી બાજુ સુભાષ ઘાઈની ‘વિધાતા’ અને ‘કર્મા’ આ બંને ફિલ્મોમાં દિલીપ કુમારનો જબરદસ્ત કમ-બેક થઈ ચૂક્યો હતો. જેમા સંજય દત્ત, અનિલ કપૂર અને જેકી શ્રોફ જાણે દિલીપ કુમારના ‘હાથ નીચે’ કામ કરતા હોય એવી વારતા હતી. એટલે સ્વાભાવિક હતું કે જ્યારે દિલીપ કુમાર અને રાજકુમાર ‘સામસામે’ હોય એવી સ્ટોરીમાં બંનેના ‘ઇગો’ માટે જોખમ હતાં.
ખેર, ફિલ્મનું એનાઉન્સમેન્ટ તો થઈ ગયું, પરંતુ એ પહેલાં સુભાષ ઘાઈએ બંનેને મનાવ્યા શી રીતે ? એની કહાણી બડી દિલચશ્પ છે. ખુદ સુભાષ ઘાઈએ એ કિસ્સા યાદ કરતાં હસી પડે છે !
સુભાષ ઘાઈએ સૌથી પહેલાં ફિલ્મની વારતા દિલીપ કુમારના બંગલે જઈને પૂરી ડિટેલમાં સંભળાવી હતી. કહેવા લાગ્યા. ‘ચલો, યે કરતે હૈં…’
પછી સુભાષ ઘાઈ જઈ રહ્યા હતા ત્યારે દિલીપ કુમાર બંગલાની બહાર એમને મૂકવા આવ્યા. બરોબર કાર પાસે પહોંચ્યા ત્યારે દિલીપ કુમારે પૂછ્યું ‘વો સામનેવાલા રોલ કૌન કર રહા હૈ ?'
સુભાષ ઘાઈ કહે છે : ‘મેં કારનો દરવાજો ખોલ્યો… હું અંદર બેઠો… દરવાજો બંધ કર્યો અને છેક છેલ્લે કીધું ‘રાજકુમાર’… અને બીજી જ ક્ષણે કાર ભગાવી મુકી !’
સુભાષજી કહે છે ‘એ પછી સળંગ છ-સાત દિવસ સુધી મેં દિલીપ કુમારનો કોઈ કોન્ટેક્ટ જ ના કર્યો !’ જોકે ત્યાર બાદ દિલીપ કુમારની ‘હા’ આવી ગઈ હતી. પરંતુ એનાથી અઘરી કસોટી રાજકુમારને મનાવવાની હતી.
તે સમયે રાજકુમાર ઓલરેડી એક ઘમંડી, સનકી અને તુંડમિજાજી સ્ટાર તરીકે પંકાઈ ચૂક્યા હતા. સુભાષ ઘાઈએ એમના ઘરે જઈને સ્ટોરી સંભળાવી. (તમે તો જાણો જ છો, ‘કાલીચરન’ની વારતા એમણે પ્રેમનાથને કેવી રીતે સંભળાવી હતી ? કે જાણે પ્રેમનાથ જ ફિલ્મના મોટા સ્ટાર છે !) બસ, એ જ રીતે રાજકુમારને કહાણી સંભળાવી.
રાજકુમારને વારતા ગમી ગઈ. એમણે હા પણ પાડી, પછી પૂછ્યું ‘વો સામનેવાલા રોલ કૌન કરેગા ?’
અહીં સુભાષ ઘાઈની ચાલાકી જુઓ… એમણે હુકમનું પત્તું સાવ દૂરી-તીરીનું પત્તું ફેંકતા હોય એ રીતે કહ્યું ‘ઉસ મેં તો કોઈ ભી આર્ટીસ્ટ કો લે લેંગે… વરના દિલીપ કુમાર તો હૈ હી !’
દિલીપ કુમારનુ નામ સાંભળતા જ રાજકુમાર થોડીવાર માટે ચૂપ થઈ ગયા ! પછી શું બોલ્યા ખબર છે ? કહે છે ‘જાની... પુરી ઇન્ડસ્ટ્રી મેં હમારે બાદ કઈ અચ્છી એક્ટિંગ જાનતા હૈ તો વો યુસૂફ હૈ ! હમ યે ફિલ્મ જરૂર કરેંગે !’
લો બોલો ‘એક્ટિંગ’ અને રાજકુમાર ? ખેર, બંનેની ‘યસ’ મળ્યા પછી પણ કશું સમુસુતરું પાર ઉતરે એવું નહોતું. કેમકે બંને પોતપોતાની આસપાસ પોતે જ રચેલાં ‘આભા મંડળ’ લઈને ફરતા હતા.
શૂટિંગમાં આવે એટલે બંને જણા પોતપોતાના આસિસ્ટન્ટોને પૂછે ‘વો આ ગયા?’ પછી પૂછે ‘ઉસ કો કપડે કૌન સે દિયે હૈં ?’ પછી પૂછે ‘ઉસ ને મકપ કર લિયા ?’ ઉપરથી ટોણો મારે ‘ડાયલોગ ફાઈનલ હુએ હૈં ? ઉસ સે પૂછ લો, પહલે…’
બંનેના આ નખરાં સાથે સુભાષ ઘાઈ શૂટિંગ કરતા રહ્યા… પણ જ્યારે નખરાં પુરાં થવાનું નામ નહોતાં લેતાં ત્યારે એમને એક ગમ્મત સુઝી. એમણે બંને જણાંનાં નામ ‘ચુન્નુ-મુન્નુ’ પાડી દીધાં !
હવે થાય કેવું ? શૂટિંગ યુનિટના આસિસ્ટન્ટો એકબીજાને પૂછતા હોય ‘વો ચુન્નુ મુન્નુ આ ગયે ?’ ‘ચુન્નુ મુન્નુ કો ચાય નાશ્તા દે દિયા?’ ‘ચલો ચુન્નુ મુન્નુ કો મેકપ મેં બિઠાઓ…’ ‘અરે, ચુન્નુ મુન્નુ કો ડાયલોગ્સ દે દો…’
દિલીપ કુમાર અને રાજકુમારને થાય કે ‘યાર, આ ચુન્નુ મુન્નુ કોણ છે ?’
કેમકે ફિલ્મમાં એમના સિવાય અનુપમ ખેર, જેકી શ્રોફ, અંબરીશ પુરી, મનીષા કોઈરાલા, વિવેક મુશરન ઉપરાંત ‘મહાભારત’માં ભિષ્મ પિતામહ બનેલા મુકેશ ખન્ના, ગુલશન ગ્રોવર અને દિપ્તી નવલ પણ હતા… તો સાલાં આ ‘ચુન્નુ મુન્નુ’ કોણ છે ? અને એમને આટલો બધો ભાવ શા માટે અપાઈ રહ્યો છે ?
આવું સંળગ થોડા દિવસ ચાલ્યું એટલે બંનેથી ના રહેવાયું. એમણે પોતપોતાના આસિસ્ટન્ટોને બોલાવીને પૂછ્યું ‘યે ચુન્નુ મુન્નુ કૌન હૈં ?’ તો આસિસ્ટન્ટો માથું નીચું કરીને કહે ‘સર, વો નહીં બતા સકતે, સુભાષજીને મના કિયા હૈ…’
છેવટે જ્યારે નાના સ્પોટબોય કે લાઈટમેન તરફથી જાણવા મળ્યું કે આ ‘ચુન્નુ મુન્નુ’ પોતે જ છે. ત્યારે બંને દિગ્ગજો બહુ છોભીલા પડી ગયા ! એમ તો એમણે સુભાષ ઘાઈ આગળ ફરિયાદ પણ કરેલી, તો સુભાષજી કહે ‘તમે લોકો સાવ નાનાં બાળકો જેવી જીદ કર્યા કરતા હો, તો હું બીજું તો શું કરી શકું?’
જોકે એ પછી પણ બધું ‘આસાનીથી પાર પડે તેમ નહોતું. એક દિવસ રાજકુમારને જાણવા મળ્યું કે દિલીપકુમારે આગલી રાત્રે હરિયાણવી લહેજામાં લાંબા લચક ડાયલોગ્સ બોલીને જોરદાર શોટ્સ આપ્યા છે.. તો એ બગડ્યા !
એમણે સુભાષ ઘાઈને બોલાવીને કીધું ‘યે તો તુમને મુઝે બતાયા હી નહીં થા ? વો અગર દેહાતી બોલી બોલેગા તો મેરા રોલ ફીકા લગેગા !’
સુભાષજીએ કહ્યું ‘એમ તો મેં પણ દિલીપ સા’બને એવું નહોતું કીધું કે તમે હંમેશા હેલિકોપ્ટરમાં ઊડો છો, ઇમ્પોર્ટેડ મોંઘા સૂટ પહેરો છો અને આલિશાન મહેલમાં રહો છો ! છતાં તમને જો વાંધો જ હોય તો ફિલ્મ બંધ કરી દઈએ, બીજું શું ?’
રાજકુમાર રીસાઈને પોતાની હોટલ-રૂમમાં જતા રહ્યા. છેવટે સુભાષજીએ રાત્રે ત્યાં જઈને લંબાણથી સમજાવ્યું કે તમારા બંનેના સાવ અલગ અલગ રોલ છે… અને એની જ મજા છે… ત્યારે રાજકુમાર માંડ માંડ માન્યા હતા ! બોલો.
***
ફિલ્મની જાણી અજાણી વાતો...
* મનીષા કોઈરાલાના રોલ માટે દિવ્યા ભારતીનું ઓડિશન લેવાયું હતું પરંતુ તે વખતે સુભાષ ઘાઈને લાગ્યું હતું કે દિવ્યાની ઉંમર રોલના હિસાબે ઘણી ઓછી છે.
* વિવેક મુશરાનના રોલ માટે આમિર ખાનને પણ ઓફર થઈ હતી પરંતુ સ્ટોરી જાણ્યા પછી આમિર ખાને ના પાડી હતી.
* એમ તો સુભાષ ઘાઈ બોબી દેઉલને આ ફિલ્મ દ્વારા લોન્ચ કરવા માગતા હતા પણ ધર્મેન્દ્રને લાગ્યું કે બોબી મોટા દિગ્ગજોની વચ્ચે ખોવાઈ જશે, એટલે વાત બની નહીં.
* ‘સૌદાગર’ મોટી ફિલ્મ હતી એટલે તેનું શૂટિંગ લંબાતું ગયું. દરમ્યાનમાં વિવેક મુશરાન એ મનીષા કોઈરાલાની બીજી ફિલ્મ ‘ફર્સ્ટ લવ લેવટર’ પુરેપુરી બની ગઈ હતી !
* જોકે સુભાષ ઘાઈની વિનંતીને માન આપીને નિર્માતા પહેલાજ નિહલાનીએ તેની રિલીઝ અટકાવી દીધી હતી.
* સુભાષ ઘાઈને આખી કરિયર દરમ્યાન માત્ર એક જ વાર ‘બેસ્ટ ડાયરેક્ટર’નો ફિલ્મફેર એવોર્ડ ‘સૌદાગર’ માટે મળ્યો છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
સરસ
ReplyDeleteસૌદાગર ફિલ્મ બની તે અંગેની રસભરી દાસ્તાન બહુ ગમી.. અભિનંદન
ReplyDeleteબોલિવૂડ ની આવી વાતો જાણી ખૂબ મજા આવતી હોય છે. વધુ કિસ્સાઓ રજૂ કરશો.. 👍
ReplyDeleteAwesome thanks for sharing 👍
ReplyDelete