વર્લ્ડ કપ જીત્યા પછી... !

ભારતીય ટીમ સળંગ બે વાર ટી-૨૦ વર્લ્ડકપ જીતી ગઈ પછી ઇન્ટરનેટ ઉપર રમૂજો, જોક્સ અને મિમ્સ ફરી વળ્યાં છે ! એમાં થોડો ઉમેરો..

*** 

હાર્દિક પંડ્યાએ બે વર્લ્ડકપ જીતવાની ઉજવણી બે અલગ અલગ ગર્લફ્રેન્ડો સાથે કરી…

ઉપરથી હાર્દિક કહે છે કે હું તો કુલ ૧૦ વર્લ્ડકપ જીતવાનો છું ! હવે આને ધમકી સમજવાની કે ચેલેન્જ ?

*** 

વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમને હનુમાનજીના મંદિરે લઈ ગયા… અડાલજની વાવમાં લઈ ગયા…

તો પેલું ‘વનતારા’ કેમ બાકી રહી ગયું ?

*** 

પહેલી વાર એવું બન્યું કે ‘મહિલા દિવસે’ પુરુષોની ટીમ ચેમ્પિયન બની !

તોય, જીત્યા પછી ક્રિકેટરોની ગર્લફ્રેન્ડો, પત્નીઓ, મમ્મીઓ અને બહેનો તો ફોટા પડાવવા માટે પહોંચી જ ગઈ ને ?

*** 

કહે છે કે એક બહેને મેચ પહેલાં લીંબુ-મરચું લઈને સ્ટેડિયમની નજર ઉતારેલી એટલે જ આપણે જીતી ગયા !

આ સાંભળીને અમેરિકાના પેન્ટાગોને ભારત પાસે એવાં લીંબુ-મરચાં મંગાવ્યા છે !

*** 

અમેરિકાવાળા પૂછી રહ્યા છે કે ‘આ પનોતી કોને કહેવાય ?’
લો બોલો, ‘બગલ મેં છોરા ઔર ગાંવ મેં ઢીંઢોરા’ !

*** 

અમુક જુના ક્રિકેટ રસિયાઓ આજકાલ મેચો જોતા બંધ થઈ ગયા છે કહે છે કે ‘બધું સ્ક્રીપ્ટ મુજબ ચાલે છે, એમાં શું જોવાનું?’

હા, પણ એમ તો ફિલ્મો પણ સ્ક્રીપ્ટ મુજબ જ બને છે, છતાં સૌ જુએ જ છે ને ?

*** 

ભારતે સાઉથ આફ્રિકાને મેચ આપી દીધી. સાઉથ આફ્રિકાએ ન્યુઝિલેન્ડને મેચ આપી દીધી અને ન્યુઝિલેન્ડે છેલ્લે ભારતને મેચ આપી દીધી !

આને કહેવાય ‘વાટકી વ્યવહાર’ !

*** 

… અને આખી વાતમાં બિચારું બાંગ્લાદેશ તો જોતું જ રહી ગયું કે કાશ… બહિષ્કાર કરવાની ટંગડી ઊંચી ના કરી હોત…

***

- મન્નુ શેખચલ્લી

Comments