જે રીતે ચાલુ ફિલ્મે, કે ટીવી શોમાં તથા વિવિધ ઠેકાણે ‘કાનૂની ચેતવણીઓ’ હોય છે એ જ રીતે હવે ઠેર ઠેર ‘ટ્રમ્પ ચેતવણીઓ’ મુકવાનો સમય આવી ગયો છે !
***
શેરબજારમાં…
‘ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્ટોક માર્કેટ ઇઝ સબ્જેક્ટ ટુ ‘ટ્રમ્પ’ રીસ્ક ! શેરબજારમાં નાણાંકીય નિવેશ ‘ટ્રમ્પનાં’ જોખમોને આધિન છે… યુધ્ધના સમાચારો ધ્યાનથી વાંચો…’
***
ન્યુઝ ચેનલોમાં…
‘ટ્રમ્પનાં નિવેદનોનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે !’
***
યુદ્ધના લાઈવ સમાચારોમાં…
‘એક હૂમલા ઉપર બીજા બે હૂમલા ફ્રી…! ફ્રી…! ફ્રી…! (ટ્રમ્પની શરતો લાગુ.)’
***
ટ્રમ્પની કોઈપણ ધમકી, ઓફર અથવા શરતોમાં…
‘વોરંટી માત્ર ચોવીસ કલાક સુધી સીમિત છે !’
***
ભારતનાં દરિયાઈ બંદરો ઉપર…
કામ ચાલુ, રસ્તો બધ… યાને કે ‘યુદ્ધ ચાલુ, આયાત નિકાસ બંધ !’
***
વ્હાઈટ હાઉસમાં લટકાવેલી ટ્રમ્પની તસવીર નીચે…
‘આ પ્રતિકાત્મક તસ્વીર છે. અસલી ટ્રમ્પનાં વાસ્તવિક માપ, વજન અને રંગ અલગ હોઈ શકે છે !’
***
ઇરાન તથા બીજા દેશોને ટ્રમ્પની ધમકીઓમાં…
‘આર્ટીફીશીયલ દાદાગીરી એન્ડ ફિશીયારી એડેડ.’
***
તમામ રોડ ઉપર જ્યાં જ્યાં ‘બમ્પ’ છે ત્યાં….
‘સાવધાન ! આગળ ‘ટ્રમ્પ’ છે !’
***
ઈરાનના સુપ્રીમોની હત્યા પછી તમામ દેશના વડાઓને…
‘ધ્યાન રહે, આપ ટ્રમ્પનાં સીસીટીવીની નિગરાનીમાં છો !’
***
અને અમેરિકા સાથેના તમામ સોદાઓમાં મોટા અક્ષરે લખેલુ હશે…
‘આ સોદાની તમામ શરતો, કિંમતો, સમયરેખા તથા લેવડદેવડના નિયમોમાં ફેરફાર કરવાના તમામ હક્ક ટ્રમ્પ પાસે જ રહેશે… થાય તે કરી લેજો !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment