સેમી વર્લ્ડ વોરનાં વન લાઇનર્સ !

ઇરાન અને અમેરિકા આમ તો એકબીજા સાથે ‘શાંતિમંત્રણા’ના રાઉન્ડ પર રાઉન્ડ ચલાવી રહ્યા હતા, ત્યાં અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું !

હવે જ્યારે એ પુરું થશે ત્યારે ટ્રમ્પ ફરી કહેશે ‘હવે તો મને નોબેલ પ્રાઈઝ આપો ?’

આ સિવાય પણ બીજી ગમ્મતો છે…

*** 

પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ એકબીજા સાથે ‘સંરક્ષણ કરાર’ કર્યા હતા કે જો પાકિસ્તાન ઉપર હૂમલો થાય તો સાઉદી મદદ કરશે, અને સાઉદી પર હૂમલો થાય તો પાકિસ્તાન દોડ્યું દોડ્યું આવશે…

પણ પાકિસ્તાન ઉપર અફઘાનિસ્તાને હૂમલો કર્યો અને સાઉદી પર ઈરાનનાં મિસાઈલો પડ્યાં… છતાં કોઈ કોઈની મદદે ગયું ખરું ? બોલો.

*** 

ભક્તો કહે છે કે ભારતના તો અમેરિકા સાથે પણ સારા સંબંધો છે અને ઇરાન સાથે પણ જુના સંબંધો છે…

તો બોસ, આ વોર પછી ભારતમાં ઓઇલ કેમ મોઘું થશે ? અઘરી કહેવાય આવી દોસ્તી…

*** 

વેનેઝુએલાના પ્રેસિડેન્ટને ઘરમાં ઘૂસીને પકડીને જેલમાં નાંખ્યા, ઇરાનમાં બરોબર ખોમનેઇના નિવાસસ્થાન ઉપર બોમ્બ ઝીંકીને એમને મારી નાંખ્યા…

હવે કહે છે કે આની પાછળ ‘એઆઈ’નું પ્લાનિંગ હતું !

પણ એક મિનિટ આપણે ‘એઆઈ’થી ડરવાનું છે કે ‘ટ્રમ્પ’થી ?

*** 

વેનેઝુએલા, પાકિસ્તાન અને ઇરાન… આ ત્રણે જગ્યાએ ચીનની એર ડિફેન્સ સિસ્ટમ ફેઈલ ગઈ !

આમાં ઇન્ડિયાવાળા હોંશિયાર નીકળ્યા. ચાઈનિઝ માલ માત્ર ‘તિરંગા’ માટે જ મંગાવાય !

*** 

આ બાજુ ભારતના લિબરલો અને ઇન્ટેલેક્ચ્યુઅલો મુંઝાયા છે…

જે ખામનેઈએ બુરખાનો વિરોધ કરનારી સેંકડો ‘નારીવાદી’ મહિલાઓને ફાંસીએ ચડાવી, જેલમાં પુરી, કોરડા વીંઝ્યા…

જે ખામનેઈએ ‘લોકશાહી’ની માંગણી કરનારી નિર્દોષ નાગરિકોની ભીડ ઉપર ગોળીઓ વરસાવી અને હજારોની કતલ કરાવી…

એ જ ખામનેઈના મોત પર જ્યારે દેશની ‘લઘુમતી’ આંસુ સારી રહી છે…

ત્યારે મોં ક્યાં સંતાડવું ? સિધ્ધાંતોની કોઠીમાં ? કે દંભના મહોરાં પાછળ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments