કુંવારાઓ માટે જે ‘ડુ-ઓર-ડાઈ’ દિવસ છે, પરણેલાંઓ માટે જે ‘સમજ્યા હવે’ દિવસ છે (અથવા છેક ‘હવે સમજ્યા’ દિવસ છે) અને વડીલો માટે જે ‘આશ્ચર્ય’નો દિવસ છે.. એ વેલેન્ટાઈન-દિવસ છે, આજે !
***
વેલેન્ટાઈન-ડે ભલે છોકરીઓ માટે હરખપદૂડી બનવાનો તહેવાર હોય… છોકરાઓ માટે તો યાર, ‘ટેન્શન’નો દિવસ છે !
***
રોમાન્સની બાબતે છોકરાઓ હંમેશાં ડફોળ જ રહેવાના ! એટલે જ, એમના માટે આ તહેવારોના નામો સ્પષ્ટ સુચનાઓ જેવાં છે!
જેમકે ‘રોઝ ડે’માં બકા, રોઝ જ આપવાનું છે, કોબી કે ‘ફ્લાવર’ નહીં !
‘ટેડી બેર ડે’નું નામ ‘ગિફ્ટ ડે’ પણ રાખી શક્યા હતો ને ? પણ ના, જો એવું રાખે તો છોકરાઓ ગિફ્ટમાં રૂ ભરેલું બિલાડું, ઉંદર કે ઇવન વાંદરું લઈને પહોંચી જાય… ‘જો બકુડી, તારી જોડે રમવા માટે વાંદરુ લાયો !’
***
અને ‘ચોકલેટ ડે’નું નામ ‘સ્વીટ ડે’ કેમ નથી ? કેમકે નહિતર છોકરાઓ પેલી કણાંવાળી ગોળ પીપરમિન્ટ લઈને પહોંચી જાય! ઉપરથી કહે પણ ખરા, ‘જોને તારી આંગળીમાં જાય છે?’
(પછી બ્રેક-અપ જ થાય ને ?)
***
આજના દિવસે છોકરાઓનાં ખિસ્સાં ‘ખાલી’ થાય છે અને છોકરીઓનાં મેસેજ બોક્સ ‘ફૂલ’ થાય છે…
***
જે બિચારા છોકરાઓ સિંગલ છે તે ‘સ્ટ્રેસ’માં છે કે ‘યાર, મળતી નથી…’
અને જે કમિટેડ છે એ પણ ‘સ્ટ્રેસ’માં છે કે ‘યાર, ક્યાંક બીજો ના લઈ જાય !’
***
જો છોકરીઓ આજે સિંગલ હોય તો ભેગી મળીને મસ્ત ગેંગ બનાવે છે ! એને ‘ગેલેન્ટાઈન’ કહે છે…
અને સિંગલ છોકરાઓ એવી ગેંગ બનાવે તો ? ‘આ જુઓ, લુખ્ખાઓની નવરી બજાર !’
***
એ તો સૌ જાણે છે કે ૧૨થી ૧૪ ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાતી ચીજ ગુલાબ છે. પરંતુ ૧૫ ફેબ્રુઆરીએ સૌથી વધુ ડિમાન્ડ શેની હોય છે ?
- બાટલીની ! કેમકે હજારો દિલ વગર વાંકે તૂટ્યા હોય છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment