એ આઈની જરૂર જ ક્યાં છે ?

દિલ્હીમાં મોદી સાહેબે ભવ્ય એઆઈ એકસ્પોનું ઉદ્‌ઘાટન કરીને ડઝનબંધ ઇન્ટરનેશનલ હસ્તિઓને ભેગી કરીને છાકો પાડવાનો શો શરૂ કર્યો છે.

મોટા મોટા મહાનુભાવો ત્યાં મોટાં મોટાં સપનાં બતાડી રહ્યાં છે, પરંતુ બોસ શું ભારતમાં ખરેખર એઆઈની જરૂર છે ખરી ?

*** 

જ્યાં આપણે સીધી સાદી ઇન્ટેલિજન્સ વડે એવા પુલો બાંધી રહ્યા છીએ જેમાં મજબૂતીને બદલે ભ્રષ્ટાચારની જ ગેરંટી છે…

ત્યાં એઆઈ શું કરી લેવાનું ?

*** 

જ્યાં બુટલેગરો સાદી સીધી ઇન્ટેલિજન્સ વડે ગુજરાતની પોલીસને હપ્તા ખવડાવીને ગેરકાયદેસર દારૂનો કરોડોનો વેપાર કરે છે…

ત્યાં કોઈ એઆઈને શા માટે લાવશે ?

*** 

જ્યાં બેન્કમાં એકસામટા ૪૦-૫૦ નવાં ખાતાં ખુલે, અને ખોલાવનાર વ્યક્તિઓની મેનેજર સાથે સાંઠગાંઠ હોય, ત્યારે જ એ ફ્રોડને ડામી નથી શકતા…

ત્યાં સાયબર ફ્રોડને રોકવા માટે એઆઈ ચેતવણી આપીને થાકી જાય તો પણ શું થશે ?

*** 

અરે, જે ધારાસભ્ય કે સાંસદની સંપત્તિ પાંચ જ વરસમાં ૧૦૦ ટકા જેટલી વધી જાય છે, તેની સાદી ઇન્ટેલિજન્સ વડે પણ તપાસ થતી નથી…

ત્યાં એઆઈ શું ‘ઉખાડી’ લેશે ? વાત કરો છો…

*** 

જે રસ્તાઓ કરોડોના આંધણ પછી પણ પહેલા જ વરસાદમાં ચંદ્રની સપાટી જેવા બની જાય છે તેના કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ સામે સા.બુ. વડે (સામાન્ય બુદ્ધિ વડે) પણ પગલાં નથી લેવાતાં…

ત્યાં એઆઈ વડે ‘ચેકિંગ’ કરીને પણ શું ‘ઉખાડી’ લેશો ? કેમકે રોડ તો ઓલરેડી ઉખડી જ જાય છે !

*** 

એક્સ્પર્ટો ચેતવણી આપે છે કે હવે નોકરીયાતોએ ‘નવી સ્કીલ’ શીખવી પડશે. પણ…

દેશના ભ્રષ્ટાચારીઓ, કૌભાંડીઓ, લાંચિયાઓ, તોડબાજો અને ફ્રોડબાજો પાસે જે ‘જુની સ્કીલ’ છે એને કોણ ટક્કર આપશે ?

- એઆઈ ? વાતમાં માલ નથી…

***

- મન્નુ શેખચલ્લી

Comments