સૌરાષ્ટ્રમાં જેને ‘માવો’ કહે છે તે, યાને કે પાન-મસાલા, ગુટખા, ખૈની કે ૧૨૦, ૨૩૦ વગેરે નંબરના તમાકુના મસાલા…
મજાની વાત એ છે કે આ ચીજ ખાનારાઓ હંમેશા ‘ગુણી’ સજ્જનો હોય છે ! જુઓ… એમનાં થોડાં સુ-લક્ષણો…
***
એ ‘મૌન’માં માનનારો છે…
મોંમાં માવો ભરીને એ તમને મૌનનો મહિમા સમજાવે છે ! જ્યાં ને ત્યાં શબ્દોના કોગળા કરવા કંઈ જરૂરી નથી. એ તો ઠીક, પણ જ્યારે આ મૌનીબાબા કોઈ મહાન જ્ઞાનની વાત કહેવા માગતા હોય ત્યારે જ માવો થુકશે ! તમે જોજો…
***
એ ‘મેનર્સ’માં માને છે…
તમે જોજો, માવો ખાનારાઓ પોતાની આખી બત્રીસી દેખાય એ રીતે હસતા નથી. (સવાલ ગોબરા-ગંધાતા દાંતનો નહીં, મેનર્સનો છે.) એ મહાનુભાવો આખું ડાચું ફાડીને હસતા પણ નથી.
અને હા, અકરાંતિયા ખાઉધરા લોકોની જેમ આખેઆખું મોં ખોલીને જમતા પણ નથી.
(હા, માવો ખાઈખાઈને જડબું જકડાઈ ગયું છે, એ વાત જ અલગ છે ! સવાલ તો મેનર્સનો જ છે, ભાઈ.)
***
માનવજાતનું ‘રક્ષણ’ કરે છે…
હવે તમે પૂછશો કે કઈ રીતે ? તો સાહેબો, આ સજ્જનો ચૂનો, કાથો અને તમાકુના ખતરનાક મિશ્રણથી બનેલી જે ઝેરી પિચકારીઓ મકાનોના ખૂણામાં મારે છે ને, ત્યાં ખૂણેખાંચરે ભરાઈને બેઠેલાં જંતુઓનો ‘તત્કાલ’ ધોરણે નાશ થઈ જાય છે ! સમજ્યા ?
***
‘રાજવી’ ઠાઠથી જીવે છે…
એમના માવા કંઈ હાલીમવાલી લુખ્ખાઓ માટે નથી હોતા ! તમે જ જુઓ… એમાં દાણેદાણામાં ‘કેસર’નો દમ છે ! અરે, ઇલાયચી તો ‘સિલ્વર કોટેડ’ હોય છે ! અને લાખેણા મુલ્યની ‘ચાંદી’ ? એ તો એમના મોંમાં પડેલી જ હોય છે ! ભઈ, રીસ્પેક્ટ….
***
‘કલા પ્રેમી’ છે…
આ તો જગજાહેર છે કે જ્યાં જ્યાં આ સજજ્નો જાય છે ત્યાંની દિવાલો, ફૂટપાથો, વાહનો અને વૃક્ષો ઉપર પિચકારી વડે એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ જરૂર કરતા આવે છે !
એ પણ ફ્રી ઓફ ચાર્જ… બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment