જે દક્ષિણ આફ્રિકા સામે શરમજનક ધબડકો થયો હતો, એ જ દક્ષિણ આફ્રિકા ફરી એકવાર ‘જીતે’ તેની ઉપર ભારતનો આધાર છે ! બોલો.
હકીકતમાં ભારતનો પરપોટો ઓલરેડી ફૂટી જ ગયો છે ! છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત જીતતી આવેલી ટીમ ‘દશેરાના દહાડે જ ઘોડું ના દોડે’ એ રીતે ફસડાઈ પડી છે !
હવે હાલત એવી છે કે…
***
‘જો ફલાણી ટીમ ઢીકણી ટીમને હરાવે… ઢીકણી ટીમ પેલી ટીમ સામે હારી જાય… અને ફલાણી ટીમ પેલી ટીમને મોટા અંતરથી હરાવે… તો આપણે…’
- બોસ, આવાં આસમાની ગણિતો અત્યાર સુધી પાકિસ્તાનની ટીમ ગણતી હતી ને ? આજે આપણે એની ‘બરાબરી’ કરી રહ્યા છીએ ! બોલો.
***
આખી ટીમને સખળ ડખળ કરી નાંખવામાં આપણા ‘સિરિયસ’ કોચ ગૌતમભાઈ તો ‘ગંભીર’ રીતે સફળ થયા છે ! જુઓ શી રીતે…
- સૂર્યકુમાર બિચારો કેપ્ટન બનવાનાં સપનાંય નહોતો જોતો એને કેપ્ટન બનાવી દીધો.
- હાર્દિક પંડ્યા, જે વાઈસ કેપ્ટન હતો, અને કેપ્ટન બનવા માગતો હતો એની વાઈસ-કેપ્ટનશીપ લઈ લીધી.
- પછી હાર્દિકને ખસેડીને અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવી દીધો.
- પછી શુભમન ગિલ, જે ટી-૨૦ની ટીમમાં જ નહોતો, એને વાઈસ-કેપ્ટન બનાવી દીધો ! અને અક્ષર પટેલને વિદાય કરી દીધો.
- હવે શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યો એટલે સંજુ સેમસન જે ઓપનિંગ કરતો હતો તેને છઠ્ઠા ક્રમે ખસેડી દીધો.
- છઠ્ઠા ક્રમે રિંકુ સિંગ હતો, જે ફોર્મમાં હતો, છતાં તેને બહાર બેસાડી દીધો.
- પણ શુભમન ગિલને તો ટીમમાંથી જ બહાર કરી દીધો ! એટલે ફરી અક્ષર પટેલને વાઈસ કેપ્ટનશીપ પકડાવી દીધી !
- શુભમન ગિલ બહાર ગયો એટલે ફરી સંજુ સેમસનને ઓપનિંગમાં ધકેલી દીધો.
- સંજુ સેમસન ટોપ ઓર્ડરમાં ગયો એટલે ફરી રિંકુ સિંગને છઠ્ઠા ક્રમે લઈ આવ્યા.
- આમાંને આમાં સંજુ અને રિંકુ બંનેની રમત બગડી ગઈ ! સંજુ ફેઈલ થયો તો ઓપનિંગમાં ઇશાન કીશાનને મુકી દીધો.
- પણ અક્ષર પટેલ, જે વાઈસ કેપ્ટન હતો, એને ભેદી રીતે ટીમમાંથી જ ડ્રોપ કરી દીધો !
- હવે જ્યારે દક્ષિણ આફ્રિકાએ ભારતનો હવા ભરેલો ફુગ્ગો ફોડી નાંખ્યો છે, તો સતત ફ્લોપ જઈ રહેલા અભિષેક શર્માને માથે તલવાર લટકાવી દીધી છે !
(છતાં જો ભારત ભૂલેચૂકે સેમી ફાઈનલમાં પણ પહોંચશે તો એનો જશ લેવા ગૌતમ ગંભીર દોડ્યો દોડ્યો આવશે ! તમે જોજો…)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment