‘જોયું ? કોંગ્રેસીઓએ એઆઈ એકસ્પો સામે ટી-શર્ટો કાઢઈને દેશની બદનામી કરી !’
‘ઓ હલો, એ કામ તમારી ગલગોટિયા યુનિવર્સિટીએ ઓલરેડી કરી નાંખ્યું હતું, ચાઈનિઝ રોબોટને દેશી ગણાવીને…’
‘બોસ ! એ ક્યાં નવી વાત છે ? આપણે ચીનમાં બનેલા તિરંગા તો વરસોથી વાપરીએ છીએ !’
‘છપ્પનની છાતી ફૂલાવીને એવા તિરંગાને સલામ પણ કરીએ છીએ !’
‘એક મિનિટ, દરેક વાતમાં છપ્પનની છાતીને લાવવાની જરૂર ખરી ?’
‘એ વાતથી યાદ આવ્યું… શું એઆઈ વડે આપણી છાતી છપ્પનની થઈ શકે ?’
‘ભાજપે એ પ્રોજેક્ટ ચાઈનાને સોંપવા જેવો છે…’
‘તો તો એમાંય એ લોકો ખાયકી કરશે ! તમે જોજો…’
‘પણ સિરીયસલી, શું એઆઈ બધાની નોકરીઓ ખાઈ જશે ?’
‘ના ના… સરકારી નોકરીઓ તો સલામત જ રહેવાની.’
‘હું શું કહું છું, આપડાને જો સરકારી સ્કૂલમાં પટાવાળાની નોકરી જોઈતી હોય તો એઆઈ અપાવે ?’
‘વડીલ ! તમે બાવન વરસના થયા ! અને તમે ઓલરેડી સરકારી સ્કુલમાં શિક્ષક છો !’
‘ભૈશાબ એટલે જ તો પૂછું છું ! કે શું એઆઈ ગામનાં કૂતરાંની સંખ્યા ગણી આપે ?’
‘વડીલ ! એઆઈ એવાં ફાલતું કામો માટે નથી, સમજ્યા ?’
‘તો એઆઈ શું કરશે ?’
‘સિમ્પલ છે. જે કામ માણસનું દિમાગ બે મહિને કરી રહે, એ જ કામ એઆઈ બે મિનિટમાં કરી નાંખશે !’
‘એટલે જ તો હું કૂતરાનું પૂછતો હતો ! ભાજપ સરકારે આ બાબતે વિચારવું જોઈએ.’
‘સાચું કહું ? ભાજપ સરકાર એઆઈ વડે લોકોનું બ્રેઇન વોશિંગ જ કરશે !’
‘કઈ રીતે ? જ્યાં રોડ જ ના બન્યો હોય ત્યાં રોડ બતાડીને ? કે પછી જે પુલો તૂટી પડે છે તેને અડીખમ બતાડીને ?’
‘શું વાત છે ? આવું પોસિબલ છે ?’
‘હા વડીલ ! એવા વર્ચ્યુઅલ ચશ્મા આવવાના છે !’
‘તો તો લોચો ! કેમકે જે પુલ નેવું ડિગ્રીએ ટર્ન લેતો હશે તે આવા ચશ્મામાંથી સીધો દેખાવાનો ! આમાં તો એક્સિડેન્ટો જ થવાના!’
‘ના બોસ ! ત્યાં જ તમે ભૂલો છો ! એઆઈ વડે એવી કાર બનશે, જે ફૂલસ્પીડમાં નેવું ડિગ્રીનો ટર્ન લઈ શકશે !’
‘પણ એ બનાવી કોણ આપશે ? ચાઈના જ ને ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment