એઆઈની નવી જોક્સ !

દિલ્હીમાં ભવ્ય ‘એઆઈ એકસ્પો’ ચાલી રહ્યો છે. જ્યાં ઓછો આઈક્યુ ધરાવતા નેતાઓ અને મિનિસ્ટરો સૌથી વધુ સન્માન ખાટી રહ્યાં છે !

એટલું જ નહીં, ભારતમાં એઆઈનું શું ભવિષ્ય છે ? એના વિશે જ્યોતિષીઓની સલાહ લેવામાં આવી રહી છે !

જે દેશમાં કોમ્પ્યુટરોનો સૌથી પહેલો કોમર્શિયલ ઉપયોગ લોકોની ‘કુંડળી’ (જીહા, કોમ્પ્યુટરાઈઝડ કુંડળી !) કાઢવામાં થતો હતો ત્યાં એઆઈની ટચૂકડી વારતાઓ કેવી હોય ?

*** 

આખરે થાકી-હારીને, કંટાળીને એક સિનિયર પત્રકારે એક એઆઈ એપ ખોલીને લખ્યું : ‘એઆઈના ફાયદા અને નુકસાન વિશે ૭૫૦ શબ્દોનો લેખ તૈયાર કરીને આપો…’

એઆઈએ સામો સવાલ કર્યો : ‘તમે કઈ પાર્ટીના પત્રકાર છો? ભાજપના કે વિપક્ષના ?’

*** 

જિંદગીથી હતાશ થઈ ગયેલા જેન-ઝિના એક યુવાને મોબાઈલમાં એઆઈને કીધું : ‘મને આત્મહત્યા કરવાનો એક પ્રેક્ટિકલ ડેમો આપો…’

… એક જ મિનિટ પછી એનો ફોન ‘હેંગ’ થઈ ગયો !

*** 

ફૂટેલાં પેપર, ગોખેલા જવાબો અને ચેટજીપીટીની સહાયથી માંડ માંડ પાસ થયેલા એન્જિનીયરીંગના ગ્રેજ્યુએટને લાગવગ અને લાંચ વડે સરકારના બાંધકામ ખાતામાં નોકરી તો મળી ગઈ…

પણ પહેલા જ દિવસે એને એક ફ્લાયઓવરની ડિઝાઈન તૈયાર કરવાનુ કામ સોંપવામાં આવ્યું. ગભરાઈ ગયેલા એન્જિનિયરે એઆઈને પૂછ્યું :

‘સો વરસ સુધી તૂટે નહીં એવા પુલની ફોર્મ્યુલા શું છે ?’

બે જ સેકન્ડમાં બે જ શબ્દનો જવાબ આવી ગયો :
‘ઓન પેપર’…

*** 

દિલ્હીનો એઆઈ એકસ્પો જોઈને બહાર નીકળતાં એક નેતાજીએ માથું ખંજવાળતાં એના સેક્રેટરીને પૂછ્યું, ‘યાર આખરે આ એઆઈ કરશે શું ?’

‘સર, જ્યાં જ્યાં દિમાગની જરૂર પડે છે એ તમામ કામો હવે એઆઈ કરતાં હશે..’

‘હાશ…’ નેતાજી બોલી ઉઠ્યા : ‘મતલબ કે મારા જેવા નેતાઓની પોઝિશનને જરાય ખતરો નથી !’

***

- મન્નુ શેખચલ્લી

Comments