જે રીતે ભણેલા બેરોજગારોની સંખ્યા વધી રહી છે એ હિસાબે એ જમાનો દૂર નથી જ્યારે ઘરમાં કામ કરવા આવતી કામવાળીઓ પણ ‘જેન-ઝિ’ હશે !
જુઓ, એમનાં કેવાં નખરાં હશે…
***
તમે ફોન કરીને પૂછશો કે ‘હજી કેમ કામ કરવા આવી નથી ?’
તો કહેશે ‘મેડમ, સવારના મારું સ્ટેટસ જોયું કે નહીં ? આઈ એમ ફીલિંગ ડિપ્રેસ્ડ… વિથ ટ્વેન્ટી અધર્સ !’
***
સીધી વાત છે, જેન-ઝિ કામવાળીને અઠવાડીયામાં મિનિમમ એક દિવસ ‘ડિપ્રેશન’ની રજા આપવી પડશે !
***
જેન-ઝિ કામવાળીની સોશિયલ મિડીયા પોસ્ટને રોજ ‘લાઇક’ નહીં કરો તો એ મોં ચડાવીને કહેશે : ‘તમે મને આ રીતે ઇગ્નોર કરીને સોશિયલ ઇન-જસ્ટિસ કરી રહ્યા છો !’
***
તમે એને સ્હેજ પણ વધારાનું કામ સોંપો તો કહેશે : ‘સોરી, આ મારી જોબ-પ્રોફાઈલમાં નથી !’
***
જો એના વાળ વિશે, ચહેરા વિશે કે ડ્રેસ વિશે કંઈપણ કહેશો તો રોકડું પરખાવશે : ‘માઈન્ડ યુ મેડમ ! તમે મને જજ કરી રહ્યા છો!’
એમાંય જો તમે જેન-ઝિ કામવાળીના કામમાં કંઈ ભૂલ કાઢી તો તો આવી જ બન્યું, સમજજો ! કહેશે કે ‘આટલી બધી નેગેટિવીટી સારી નહીં હોં ? આવા ટોક્સિક એટમોસ્ફીયરમાં મને નહીં ફાવે.. હા !’
***
અચ્છા તમે ડાહ્યા ડમરા થઈને જો સતત ચૂપચાપ રહો તો કહેશે ‘અહીં કોઈ ઈમોશનલ કનેક્ટ નથી આવતું….! ઉપરથી તમે જ મને બ્લેમ કરશો કે વારેઘડીએ ડિપ્રેશનની છુટ્ટી કેમ પાડી દે છે ?’
***
અને જો તમે ઈમોશનલ થઈને એની સાથે વાતો કરવા માંડશો તો કહેશે ‘મારી પ્રાઈવસીમાં એન્ટર થવાનો રાઈટ તમને કોણે આપ્યો ?’
***
હજી કામ બાંધ્યાને બે મહિના પણ નહીં થયા હોય ત્યાં તો તમારી આંખોમાં આંખો પરોવીને પૂછશે : ‘મેડમ, હવે ક્લિયરલી કહી દો, તમે મારી સાથે ‘કમિટેડ’ તો છો ને ? કે તમારા મનમાં મારા સિવાય કોઈ બીજી પણ છે ?’
***
સળંગ સાત દિવસ સુધી એ આવશે નહીં, ફોન પણ નહીં ઉપાડે, મેસેજનો રિપ્લાય પણ નહીં કરે… પછી એક દિવસ સાદો ટેક્સ્ટ મેસેજ આવશે : ‘સોરી. હું બ્રેક-અપ કરી રહી છું !!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment