જે રીતે વૈભવ સૂર્યવંશીએ માત્ર ૮૦ બોલમાં ૧૭૫ રન ઝૂડી કાઢ્યા અને જે રીતે પાકિસ્તાન વર્લ્ડ-કપમાં ભારત સથે રમવાની બાબતે નૌટંકી કરી રહ્યું છે એ સમાચારો પાંચ જ વરસ પહેલાં ‘ફેક ન્યુઝ’ જેવા લાગ્યા હોત ને !
તો આવનારા સમયમાં કેવા કવા રિયલ ‘ન્યુઝ’ આવશે ? સાંભળો…
***
વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોઈને હવે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ આવનારા અંડર-૧૯ વર્લ્ડ-કપનો બહિષ્કાર કરવા માટેના બહાના અત્યારથી શોધવા લાગ્યું છે !
***
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના પ્રમુખ એટલી હદે જલી ગયા છે કે ટી-૨૦ વર્લ્ડ-કપની ટ્રોફી તો ભારત જીતે એ પહેલાં જ ચોરી લાવવાનો પ્લાન બનાવી ચૂક્યા છે !
***
પાકિસ્તાનના ટીવી ઉત્પાદકોએ જાહેર કર્યું છે કે જો વર્લ્ડ-કપમાં ભારત પાકિસ્તાનની મેચ નહીં રમાય તો નવાં ટીવીના ઉત્પાદનમાં ધરખમ ૧૫ ટકા જેટલો કાપ મુકવો પડશે. કેમકે એટલા ટીવી તૂટવાથી બચી જશે ને ?
***
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખાનગીમાં એવી કબૂલાત કરી છે કે ભારતમાં નહીં રમવા જવાનું કારણ ‘હૂમલાનો ડર’ નહીં, પણ ભારે ‘જુમલા’નો ડર હતો ! (આમાં પેલા ભાજપના જુમલા પણ ખરા, હોં ?)
***
ઇંગ્લેન્ડની ટીમે માગણી કરી છેકે ભારતની અંડર-૧૯ ટીમ બેટિંગ કરતી હોય ત્યારે બાઉન્ડ્રી પાંચ મીટર વધારે મોટી કરવામાં આવે કેકે તો જ ‘લેવલ પ્લેઇંગ ફીલ્ડ’ કહેવાશે !
***
પાકિસ્તાનની એક ટીવી ચેનલમાં બેઠેલા લાંબી દાઢીવાળા બે એક્સ્પર્ટોએ ‘ફરીથી’ એવો દાવો કર્યો છે કે અંડર-૧૯ વર્લ્ડ-કપની ફાઈનલ વખતે ભારતે ૩૦ તાંત્રિકોને જાદૂ-ટોના કરવા માટે બેસાડ્યા હતા તેના લીધે ઇંગ્લેન્ડના બોલરો ‘હિપ્નોટાઈઝ’ થઈ ગયા હતા !
***
પાકિસ્તાની વડાપ્રધાન શહેબાઝ શરીફે વચન આપ્યું છે કે એકવાર અમેરિકા અમારા બલુચિસ્તાનમાંથી સોનું ખોદી કાઢે એટલી જ વાર…
એ પછી તો અમે અમારા ક્રિકેટરોને પગારમાં બબ્બે કિલો સોનું આપતા હોઈશું !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment