આંકડાઓની અવળચંડાઈ !

આંકડાઓનો આખો ખેલ જ નિરાળો છે ! અમુક આંકડાઓને અંદરથી જરા ખોતરીએ તો જાતભાતની અવળચંડાઈ બહાર આવતી હોય છે. જુઓ….

*** 

ટ્રમ્પ કહે છે કે મેં ભારત ઉપરની ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને માત્ર ૧૮ ટકા કરી નાંખી છે !

- એ બધું છોડો, તમે રૂપિયા સામે ડોલરમાં માત્ર ૧૮ ટકા ઘટાડી દો…. બાકીનું અમે ફોડી લઈશું !

*** 

પાકિસ્તાન જો વર્લ્ડ-કપમાં ભારત સામે રમવા નહીં ઉતરે તો એમને ૨૭૦ કરોડ (લગભગ ૩ કરોડ ડોલર)નું નુકસાઈ થઈ શકે.

- માત્ર ૩ કરોડ ડોલર ? એમાં શું ? અમેરિકાએ પાકિસ્તાનને ૨.૭ અબ્બજ ડોલર લોન તરીકે શેના માટે અપાવ્યા છે ? ભારતને સળી કરતાં રહેવા માટે જ ને !

*** 

ભારત બાંગ્લાદેશને હવે ૧૨૦ કરોડને બદલે માત્ર ૬૦ કરોડ રૂપિયાની જ મદદ કરશે.

- એ ૬૦ કરોડ શેના માટે વપરાશે ? ત્યાંના હિન્દુઓની અંતિમક્રિયા માટે ?

*** 

ગુજરાતમાં એસઆઈઆર માટેની ચકાસણીમાં ૧૨ લાખ ૨૪ હજાર મતદારો માટેની વાંધાઅરજીઓ રાતોરાત પાછી ખેંચાઈ ગઈ !

- જોયું ? આમાં તો વાંધા પાડનારાઓની જ ‘ચકાસણી’ થઈ ગઈ ને ?

*** 

મોઢાના કેન્સરના કેસોમાં માત્ર ૧ વરસમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો !

- હા, પણ મોંઢામાં એટલે કે દાંતમાં પુરેલી ચાંદીની કિંમતમાં તો ૨૮૫ ટકાનો વધારો થયો ને ? જલ્સા કરોને ભૈશાબ…

*** 

આ વરસના બજેટમાં ૧.૭૦ લાખ કરોડ રૂપિયા ખાતર માટે ખર્ચાશે !

- અને તમામ પ્રકારના ભ્રષ્ટાચારોમાં જે ‘ખાતર ઉપર દિવેલ’ થાય છે એમાં કેટલા ?

***

- મન્નુ શેખચલ્લી

Comments