આ વખતે શિયાળો ઉત્તરાયણ પછી પણ આમ જુઓ તો ચાલુ છે… પણ… યાર… આ શિયાળે કંઈ ખાસ મજા ના આવી ! કેમ ? કારણ કે…
***
આ વખતે ઠંડી એવી ફાલતું પડી કે સાલું સ્વેટર પહેરીએ તો પરસેવો થતો હતો અને ના પહેરીએ તો ઠંડી લાગતી હતી !
***
રાત્રે પણ એ જ હાલત હતી ! પંખો ચાલુ રાખીએ તો ગોદડું ઓઢવું પડે…
ગોદડું ઓઢીયે તો ગરમી લાગે…. ના ઓઢીએ તો ઠંડી લાગે…
અને પંખો બંધ કરીએ તો મચ્છરો કાન પાસે આવીને ગાયનો ગાતાં હતાં !
***
ઠંડી એટલી જોરદાર પણ ના પડી કે કુંવારાઓને પરણી જવાનું મન થાય ! અને એટલી ઓછી પણ ના પડી કે પરણેલાઓને છૂટાછેડા લેવું મન થાય !
***
રહી રહીને છેક જાન્યુઆરીમાં કાશ્મીર, શિમલા અને હિમાચલમાં બરફ પડ્યો ! છતાં આબુમાં તો બાટલીના પૈસા વસૂલ થાય એટલીયે ટાઢ ના પડી ! બોલો.
***
એનઆરઆઈઓ આવ્યા ત્યારે ‘ફોરેન’ની એકાદ બાટલી લાવ્યા ખરા.. પણ બેટમજીઓ આપણી ચાર ચાર બાટલી પી ગયા ! ઉપરથી કહેતા ગયા કે ‘યાર, આ ઓરિજિનલ માલ નથી લાગતો હોં !’
***
નાતાલ વેકેશનમાં પહેરવાની મજા પડશે એમ સમજીને મોટે ઉપાડે મોંઘા ભાવના સ્વેટરો અને જેકેટો લીધાં હતાં એ કબાટમાં જ પડી રહ્યાં !
યાર, સેલ્ફીઓ પણ મોંઘી પડી !
***
બીજી બાજુ, નવરાત્રિ માટે બાર બાર હજારનાં ચણિયા ચોળી લીધાં હતાં ત્યારે સાલો વરસાદ પડ્યો ! શિયાળો ‘એડવાન્સ’માં આવી ગયો…
***
બસ, એક જ આશ્વાસન છે કે હજી ઠંડી ગુલાબી-ગુલાબી છે એટલે લગ્નોમાં કન્યાઓ અને મહિલાઓ સ્લીવ-લેસ અને બેક-લેસ ડ્રેસિસ પહેરીને મોડી રાત સુધી મહાલી શકે છે.
છતાં, એમાંય… ઠંડીમાં ઠૂંઠવાતી ગર્લફ્રેન્ડને શાલ ઓઢાડીને બાઈકની પાછલી સીટ પર ચપોચપ બેસાડીને ઘરે મુકવા જવાનો ચાન્સ તો ગયો જ !
***
બાકી હતું તે અમુક લોકોને મોર્નિંગ વોકમાં જ કૂતરું કરડી ગયું !
છતાં સોશિયલ મિડીયામાં કૂતરાં વિરુદ્ધ કંઈ પણ લખી ના શક્યા… કેમકે ‘સેવ ડોગ્સ’વાળી ઝૂંબેશ ચાલતી હતી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment