પછી એનું શું થયું ?

સમાચારોની દુનિયામાં અમુક વાતો એવી હોય છે કે ઘણીવાર એના ‘છેડા’ જ મળતા નથી ! પછી જ્યારે નવરા બેઠા હોઈએ ત્યારે વિચાર આવે છે કે ‘બોસ, પછી એનું શું થયું…?' દાખલા તરીકે -

*** 

આજથી ૨૪ વરસ પહેલાં અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરેલો ત્યારે રાજકીય નિષ્ણાતો કહેતા હતા કે ‘બોસ, ત્યાં અફઘાનિસ્તાનના પેટાળમાં ઓઇલનો જબરદસ્ત મોટો જથ્થો પડેલો છે ને, એટલે…’

- પછી એ ઓઈલના જથ્થાનું શું થયું ? અમેરિકાના સૈનિકો જતાં જતાં સંતાડીને ખિસ્સામાં ભરીને લઈ ગયા ?

*** 

૨૦૦૯માં મનમોહનસિંહની સરકારે સંસદમાં વિશ્વાસમતનું જોખમ ખેડીને અમેરિકા સાથે મોટે ઉપાડે ‘પરમાણુ કરાર’ કર્યા હતા. તે વખતે કહેતા હતા કે એનાથી ભારતની વીજળીની સમસ્યા હંમેશ માટે દૂર થઈ જશે !

- પછી એનું શું થયું ? કરાર ઉપરથી સહી ઊડી ગઈ ? કે વીજળી પડી ?

*** 

એ જ રીતે વાજપેયી સરકાર વખતે ‘રામસેતુ’નો વિવાદ ચગી ઊઠ્યો ત્યારે કહેતા હતા કે ત્યાં સમુદ્રના પેટાળમાં ‘યુરેનિયમ’નો એટલો મોટો જથ્થો છે કે ભારત એના વડે ‘વર્લ્ડ-પાવર’ બની જશે !

- પછી એનું શું થયું ? યુરેનિયમ દરિયાના પાણીમાં જ ઓગળી ગયું કે શું ?

*** 

અરે, ૧૯૯૯માં કોમ્પ્યુટરોમાં ક્રાંતિ આવી ત્યારે કહેતા હતા કે દુનિયાભરમાં ‘પેપર-લેસ’ ઓફિસો વડે વહેવાર ચાલતો હશે !

- પછી એનું શું થયું ? સાલું, આજે ૧૦૦ રૂપિયાનું સરકારી કામ કરાવવું હોય તો એમાં સત્તર જાતની ‘ઝેરોક્સો’ આપવી પડે છે !

*** 

એમ તો ૨૦૧૧માં કેરળના પદ્‌મનાભ મંદિરના ભોયરામાંથી ‘મલ્ટિ-મિલિયન’ ડોલરનું સોનું, ચાંદી, ઝવેરાત અને વિવિધ એન્ટિક મળી આવ્યાં હતાં !

- પછી શું થયું ? કેમકે એ પછી પણ ડોલર સામે રૂપિયો તો ગગડતો જ રહ્યો છે ! પેલો ખજાનો ક્યાં ગયો ?

*** 

અને મોદી સાહેબ ભલે આપણા ખાતામાં ૧૫-૧૫ લાખ જમા ના કરાવે…

- પણ સ્વીસ બેંકોમાં પડેલા એ ભારતીય કાળા નાણાનું થયું શું ? બાપા, અગિયાર અગિયાર વરસથી કંઈ હલ્યું જ નથી ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments