'આરાધના'... શર્મિલાની કે ખન્નાની ?

સીધા સાદા ગણિતની દૃષ્ટિએ જુઓ તો ‘આરાધના’ ફિલ્મમાં માત્ર બે જ દ્રશ્યો એવાં છે જેમાં શર્મિલા ટાગોર નથી ! આમ તો એક જ દ્રશ્ય…! એ કયું ?

જ્યારે રાજેશ ખન્ના અને સુજીતકુમાર શર્મિલાના ઘરના નોકર આસિત સેનને બાટલામાં ઉતારીને શર્મિલા ક્યારે, ક્યાં જાય છે તેનં પેપર ફોડવા માટે પટાવી લે છે ! યાદ આવ્યું ?

કહેવાનો મતલબ એટલો જ કે આખેઆખી ફિલ્મ શક્તિ સામંતાએ શર્મિલા ટાગોર માટે જ બનાવી હોય, જેમાં ૯૮ ટકા દ્રશ્યોમાં શર્મિલા જ શર્મિલા હોય, છતાં રાજેશ ખન્ના એ ફિલ્મથી રાતોરાત સુપરસ્ટાર શી રીતે બની ગયો ?

એ સમજવા માટે એક જ કિસ્સો પુરતો છે. વાત એમ હતી કે દિલ્હીમાં ‘આરાધના’નું પ્રિમિયર હતું. ત્યાં શર્મિલા ટાગોર, શક્તિ સામંત ઉપરાંત શમ્મી કપૂર પણ હાજ રહેતા. (‘એન ઇવનિંગ ઇન પેરિસ’માં શક્તિ દાના હીરો હતા એટલે.) પ્રિમિયરમાં રાજેશ ખન્ના પણ હતો.

અહીં રાજેશ ખન્નાનો કોઈ ભાવ પણ પૂછતું નહોતું ! ખન્નાજી ચૂપચાપ એક ખૂણે સરકી ગયા હતા. પરંતુ ખરો ચમત્કાર એ પછી થયો ! ફિલ્મ શરૂ થઈ… અને પુરી થઈ એટલા ત્રણ જ કલાકમાં થિયેટરનું ઓડિયન્સ રાજેશ ખન્નાના ચાર્મમાં ટોટલી સંમોહિત થઈ ગયું હતું ! ફિલ્મ પતી કે તરત જ ટોળેટોળાં રાજેશ ખન્નાને ઘેરી વળ્યાં હતાં ! કોઈને ફોટા પડાવવા હતા, કોઈને ઓટોગ્રાફ જોઈતા હતા ! તો કોઈને (ખાસ તો છોકરીઓને) રાજેશ ખન્નાનો ‘સ્પર્શ’ કરવો હતો !

જે ચમત્કાર દિલ્હીમાં ત્રણ જ કલાકમાં થયો એ જ ચમત્કાર દેશભરમાં ત્રણ જ વીકમાં ફરી વળ્યો હતો ! એ તો શર્મિલા ટાગોર શાણી નીકળી કે આખી વાતને ‘ઈગો’માં લેવાને બદલે રાજેશ ખન્ના સાથે જોડી જમાવી લીધી.

પેલી બાજુ રાજેશ ખન્નાની કરિયરની શરૂઆત જ કંઈ બુંદિયાળ નીકળી હતી. કેમકે મુંબઈના અમુક પ્રોડ્યુસરોની છત્રછાયા હેઠળ એક ‘ટેલેન્ટ કોન્ટેસ્ટ’ યોજાઈ હતી જેમાં પહેલા નંબરે આવનારને ફિલ્મ ઓફર કરવામાં આવશે એવી લાલચ હતી.
આ ટેલેન્ટ કોન્ટેસ્ટ રાજેશ ખન્ના જીતી ગયા હતા. 

આજે તો માન્યામાં જ ના આવે, પરંતુ એ વખતે ખરેખર રાજેશ ખન્નાને ત્રણ નામી પ્રોડ્યુસરોએ પોતાની ફિલ્મોમાં રોલ આપ્યા !

જેમાંથી ચેતન આનંદે ‘આખરી ખત’માં સાવ નાનકડો રોલ આપ્યો, ‘બહારોં કે સપને’માં નાસીર હુસૈને આશા પારેખ સામે હીરો બનાવી દીધો અને ‘રાઝ’માં જીપી સિપ્પી જેવા નામી પ્રોડ્યુસરે રાજેશ ખન્નાને બબીતાની સામે બ્રેક આપ્યો. પરંતુ કમનસીબે ત્રણે ફિલ્મો બોક્સ ઓફિસ પર પાણીમાં બેસી ગઈ !

હકીકતમાં શક્તિ સામંતે રાજેશ ખન્નાને પણ એટલા માટે જ કાસ્ટ કર્યો હતો કે ફિલ્મ તો શર્મિલા ટાગોરને હાઈલાઈટ કરવા માટે બની રહી હતી. આમાં બહુ ફેમસ હિરો ના ચાલે !

પરંતુ ચાલ્યો રાજેશ ખન્ના ! એમાંય પાછો ડબલ રોલમાં ! આ રોલ ‘ડબલ’ શી રીતે થઈ ગયો એની પણ અજીબ દાસ્તાન છે…

થયું એવું કે સચિન ભૌમિકે આ ફિલ્મની સ્ટોરી હોલીવૂડની ૧૯૪૬માં આવેલી ‘ટુ ઇચ હિઝ ઓવ્ન’ નામની ફિલ્મ પરથી ડેવલપ કરવા માંડી હતી. એવામાં શક્તિ સામંતને જાણવા મળ્યું કે આ જ સ્ટોરી ઉપરથી મુંબઈમાં બીજી એક ફિલ્મ બની રહી છે ! એટલે સચિન ભૌમિકે સ્ટોરીમાં ભારતીય ટચ નાંખીને સેકન્ડ હાફ સાવ બદલી નાંખ્યો !

છતાં શક્તિ દા ટેન્શનમાં હતા… કેમ ? કે શર્મિલા ટાગોરના દીકરા તરીકે બીજો કયો નવો હીરો લેવો ? એવામાં જાણીતા નવલકથા લેખક ગુલશન નંદા શક્તિ સામંતને મળવા આવ્યા હતા. વાત તો એમની નવલકથા ‘કટી પતંગ’ ઉપરથી આગામી નવી ફિલ્મ બનાવવાની થઈ રહી હતી એમાં શક્તિ દાએ પોતાની મુંઝવણ કીધી. ગુલશન નંદાએ તરત જ સુઝાવ આપ્યો કે ‘રાજેશ ખન્નાને જ એ રોલ આપી દો ને ?’

… અને ઇતિહાસ ગવાહ છે કે જ્યારે સેકન્ડ હાફમાં એર ફોર્સના પાયલટ તરીકે પાતળી મૂછોવાળા રાજેશ ખન્નાની એન્ટ્રી થતી હતી ત્યારે થિયેટરો તાળીઓ અને સીટીઓના અવાજથી ગાજી ઊઠતાં હતાં !

અહીં એક નોંધવા જેવી મજેદાર વાત એ છે કે આ ‘બીજા’ રાજેશ ખન્નાના 'દોસ્ત'ના રોલમાં પાછળથી હિન્દી ફિલ્મોના ‘શો મેન’ તરીકે ફેમસ થયેલા પ્રોડ્યુસર ડીરેક્ટર સુભાષ ઘાઈ હતા ! (તે વખતે એમને કોઈ ‘ચરબી’ ચડી નહોતો એટલે સરસ મજાના પાતળિયા જુવાન દેખાતા હતા.)

વધુ એક નોંધવા જેવી વાત એ છે કે જે ‘રૂપ તેરા મસ્તાના’ ગાયનનાં આજે પણ ડઝનના ભાવે રિ-મિક્સ થઈ રહ્યાં છે, એની જે પહેલી વાર ધૂન બની હતી તે શક્તિ સામંતને ખાસ પસંદ પડી નહોતી. પરંતુ કહે છે કે કિશોર કુમારે સચિન દેવ બર્મનની જ એક બંગાળી ગાયનની ધૂન (એકતૂ પારે શોશુરબારી) યાદ કરાવીને તેની ઉપરથી નવી ધૂન બનાવવાનું સૂચન કર્યું હતું !

બાકી, કિશોર કુમારના સુપુત્ર અમિત કુમાર પોતાના લાઈવ શોમાં ‘રૂપ તેરા મસ્તાના’ શી રીતે સર્જાયું તેની જે ‘આઈટમ’ રજૂ કરે છે, તે માત્ર અને માત્ર મનોરંજન માટે છે ! 

કેમકે તમને શું લાગે છે, સચિન દા એટલા ડફોળ હોય કે આવી રોમેન્ટિક સિચ્યુએશનમાં ‘સુન મેરે બંધુ રે…’ જેવા રાગડા તાણવા બેસી જાય ?

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘આરાધના’નો રોલ શર્મિલા ટાગોર પહેલાં આશા પારેખ અને અર્પણા સેનને ઓફર થયો હતો. પણ બંનેને ‘ઘરડી’ દેખાવાનું પસંદ નહોતું, એટલે ના પાડી દીધી.

* ‘આરાધના’ પછી રાજેશ ખન્નાની સળંગ ૧૮ ફિલ્મો હીટ નીવડી હતી.

* ‘આરાધના’ એવી પહેલી ફિલ્મ હતી જે ઉત્તર-પૂર્વના રાજ્યો અને દક્ષિણ ભારતનાં ચારેય રાજ્યોમાં રોજના ચાર-ચાર શો સાથે સળંગ ૧૦૦ દિવસ લગી ચાલી હતી ! દક્ષિણ ભારતમાં તો સળંગ ત્રણ વરસ લગી કોઈને કોઈ થિયેટરમાં ચાલતી રહી હતી!

* આ ફિલ્મ કિશોર કુમાર માટે પણ જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ બની હતી. એટલી હદે કે અમુક સંગીતકારોએ મહંમદ રફીની ઉપેક્ષા કરવા માંડી હતી.

* ફિલ્મમાં આર. ડી. બર્મનને સચિનદેવના નામની નીચે જ ‘એસોસિએટ મ્યુઝિકલ ડીરેક્ટર’ની ક્રેડિટ આપવામાં આવી છે.

***

-મન્નુ શેખચલ્લી 

Comments

  1. અનંત પટેલ15 January 2026 at 06:00

    અભ્યાસ પૂર્ણ આલેખન. અભિનંદન

    ReplyDelete
  2. સુપર્બ

    ReplyDelete

Post a Comment