અણમોલ વાણી, અદ્દભુત કહેવતો !

મહાનુભાવોનાં અમુક વાક્યો તેમની આખી જિંદગીના નીચોડ સમાન હોય છે. એ જ રીતે અમુક કહેવતો સમાજની સચ્ચાઈને બતાડતી હોય છે. સમજુ લોકોએ આ યાદ રાખવા જેવું હોય છે…

*** 

બુદ્ધિ પ્રતિભા અને મુરખાઈ સ્ટુપિડીટી વચ્ચે એક જ ફરક હોય છે…

કે બુદ્ધિ પ્રતિભાની એક લિમિટ હોય છે.

*** 

આફ્રિકાની એક કહેવત :
ઘેટાં અને બકરાં આખી જિંદગી વરૂ અને શિયાળથી ડરતાં રહે છે પરંતુ છેવટે એનો માલિક જ એને કસાઈને હાથે સોંપી દેતો હોય છે !

*** 

તુર્કીની કહેવત :
જ્યારે એક જોકર મહેલનો માલિક બને છે ત્યારે તે રાજા નથી બની જતો. ઉલ્ટું, આખો મહેલ એક સર્કસ બની જાય છે !

*** 

ગ્રીસની કહેવત :
જે માણસ પોતાના ખિસ્સાંને મજબૂત બનાવ્યા વિના માત્ર શરીરને મજબૂત બનાવે છે, તે છેવટે એવા માણસનો ચોકીદાર બને છે જેણે પોતાનું ખિસ્સું મજબૂત બનાવ્યું છે, શરીર નહીં.

*** 

બ્રાઝિલની કહેવત :
જે લોકોએ તમને એકવાર દગો દીધો છે તે અનેક વાર દગો જ દેશે. દરિયાનું પાણી ખારું છે તે જાણવા માટે આખો દરિયો પીવાનો ના હોય.

*** 

ગામના એ ચોતરા પર ના બેસો જ્યાં બેસીને લોકો બીજાઓની કુથલી કરતા હોય. કેમકે તમે ત્યાંથી ઊઠીને જશો કે તરત તમારી કુથલી થશે.

(આ કહેવત બની ત્યારે સોશિયલ મિડીયા નહોતું.)

*** 

તમે જ્યારે મરી જાવ છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમે મરી ગયા છો. મોતની પીડા બીજા લોકોએ ભોગવવી પડે છે.

તમે જ્યારે ‘સ્ટુપિડ’ હો ત્યારે પણ આ જ બને છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments