એક બોધકથા, ચાર બોધ !

એકવાર કૃષ્ણ ભગવાન અને અર્જુન રથમાં જતા હતા ત્યાં અર્જુને એક ગરીબ માણસને જોયો. એની આવી હાલત જોઈને અર્જુનને દયા આવી ગઈ.

અર્જુને તેને બોલાવીને ખોબો ભરાય એટલા સોનાના સિક્કા આપ્યા.

પરંતુ એ સોનાના સિક્કકા લઈને જતો હતો ત્યાં એક લૂંટારાએ તેને લૂંટી લીધો !

કૃષ્ણ ભગવાન અને અર્જુન ફરી એ રસ્તે નીકળ્યા. ફરી પેલો ગરીબ માણસ દેખાયો. અર્જુને પૂછ્યું ‘શું થયું ?’

ગરીબે કહ્યું ‘સોનાના સિક્કા તો લૂંટાઈ ગયા !’

અર્જુને કહ્યું ‘વાંધો નહી, આ લે, હું તને એક અત્યંત કીમતી હીરો આપું છું. તું તે સંતાડીને લઈ જજે.’

ગરીબ માણસ હીરો લઈને ઘરે ગયો. તેણે એ હીરો એક માટલામાં સંતાડ્યો.

થોડી વાર પછી એની પત્ની એ જ માટલું લઈને નદીએ પાણી ભરવા ગઈ. પેલો હીરો તો પાણીમાં તણાઈ ગયો !

ફરીવાર કૃષ્ણ ભગવાન અને અર્જુનને પેલો ગરીબ એ જ હાલતમાં દેખાયો. અર્જુન વિચારમાં પડ્યો કે ‘આ માણસનું નસીબ ફરતું કેમ નથી ?’

હવે કૃષ્ણ ભગવાને ગરીબને બોલાવીને તેના હાથમાં માત્ર બે રૂપિયાના સિક્કા આપ્યા. પછી અર્જુનને કહ્યું ‘હવે તું જોજે…’

ગરીબ ચાલતો ચાલતો બજારમં ગયો. બે રૂપિયામાં તો શું આવે?

તેણે એક માછીમારની ટોપલીમાં એક માછલીને તરફડતી જોઈ. બે રૂપિયા આપીને તેણે માછલી ખરીદી લીધી અને તેને નદીમાં છોડી મુકી…

નદીમાં જતાંની સાથે જ માછલી ખુશીથી ઉછળી ! તેના ગળામાં જે પેલો હીરો ફસાયેલો હતો તે બહાર  પડ્યો !

આ જોતાં જ ગરીબ બોલી ઉઠ્યો : ‘મળી ગયો ! મળી ગયો !’

એ જ વખતે પેલો લૂંટારો ત્યાંથી જતો હતો તેને થયું કે આ બૂમ મારા માટે પડી છે. એટલે તે ગરીબ પાસે આવીને ડરતાં ડરતાં બોલ્યો :

‘લે ભાઈ ! તારા સોનાના સિક્કા પાછા ! હવે બૂમો ના પાડીશ !’
આમ ગરીબનું નસીબ પલટાઈ ગયું…

*** 

બોધ (૧) : આ એક વારતા છે. આજકાલ કૃષ્ણ ભગવાન અને અર્જુન રસ્તામાં ફરવા નીકળતા નથી.

બોધ (૨) : કોઈ મચ્છી મારકેટમાં ક્યાંય તરફડતી માછલી મળતી નથી. અને દરેક માછલીના ગળામાં હીરો ફસાયેલો હોય એ જરૂરી નથી.

બોધ (૩) : આજકાલ કોઈ ચોર-લૂંટારા ‘મળી ગયો… મળી ગયો…’ એવી બૂમોથી ડરતા નથી.

બોધ (૪) : માણસનું નસીબ બદલવાનું કામ ભગવાન જ કરે છે. અર્જુને પોતાનાં તીર-કામઠામાં જ ધ્યાન આપવું ! સમજ્યા ?

***

- મન્નુ શેખચલ્લી

Comments