‘જુઓ, આ ભારતીય વૈજ્ઞાનિકોની સિધ્ધિ !’ અમે રણઝણસિંહને એક ન્યુઝ સંભળાવતાં કહ્યું ‘ભારતનું સૌથી શક્તિશાળી રોકેટ એલવીએમ-૩ અમેરિકન કંપનીના એક સેટેલાઈટને લોન્ચ કરશે !’
‘મન્નુડા, તું લખી રાખ…’ રણજણસિંહ જરાય ઇમ્પ્રેસ થયા વિના બોલ્યા ‘ભારતના વૈજ્ઞાનિકો ગમ્મે એટલા જિનિયસ હોય, ઈ ત્રણ શોધ કદી નહીં કરી શકે !’
‘અચ્છા ?’
‘પહેલી શોધ… ભારતમાં કૂતરીઓનું વ્યંધિકરણ થઈ શકે એવી શોધ કદી નહીં આવે !’
‘આલેલે…’ અમે ચોંક્યા. ‘આ તે વળી કેવી વાત કરો છો ?’
‘સીધી જ વાત છે, તું જ જોઈ લે ને ? છેલ્લાં ૩૦ વરસથી રખડતાં કૂતરાવંની સમસ્યાને કાબૂમાં લેવા હાટું નર કૂતરાવનાં ખસીકરણ પાછળ અબજો રૂપિયા ખર્ચાઈ ગયા, પણ કૂતરીયુંનાં વ્યંધિકરણ કદી થ્યાં ? કેમકે જો ઈ થાવા મંડે તો આપોઆપ રખડતાં કૂતરાંવની સંખ્યા ઘટી જાય ! પછી ભ્રષ્ટાચાર ક્યાંથી કરવો ?’
અમે કીધું : ‘ઠીક છે. આની પાછળ મૂળ કારણ તો ભ્રષ્ટાચારનું છે. હવે બીજું ?’
‘બીજી શોધ ભારતમાં કદી નહીં થાય કે સૂર્યના પ્રકાશમાંથી વીજળી શી રીતે પેદા કરવી ?’
‘ઈ તો પેદા થાય જ છે ને ?’
‘હા, પણ સોલાર પેનલની શોધ ભારતે ક્યાં કરી છે ? અને પશ્ચિમના દેશોમાં એવો તડકો જ નથી પડતો ! અટલે ન્યાં એવી શોધમાં કાંઈ આગળ પ્રગતિ થાવાની જ નંઈ !’
‘તો સરકારે એમાં આપણા વૈજ્ઞાનિકોને જોતરવા જોઈએ ને ?’
‘ઈ તું મોદી સાહેબને કહેજે ! બાકી ઈસરોવાળા તો કહેશે કે આ અમારું કામ જ નથી !’
‘તો ત્રીજી શોધ કઈ બાકી રહી ?’
‘ઈ તો સાવ સરળ શોધ છે…’ રણઝણસિંહે ખોંખારો ખાધો. ‘ભારત કદી ફોલ્ડિંગ કારની શોધ નહીં કરે !’
‘ફોલ્ડીંગ કાર ?’
‘હાસ્તો વળી ? જે રીતે દેશમાં વાહનોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે એમાં હવે ઉપાય તો એક જ બચ્યો છે કે ચાર સીટવાળી કારમાંથી જો એક જ માણસ બેઠો હોય તો ઈ ચાંપ દાબતાં જ સાંકડી થઈ જાવી જોઈએ !’
‘એવી શોધ તો…’
‘વિદેશીઓ કરશે જ નહીં ! કેમકે એમને ઈ સમસ્યા જ નથી ! અને ભારતમાં કદી થાશે નહીં, કેમકે આપણે તો વરસોથી વિદેશી શોધ ઉપર જ ‘આત્મનિર્ભર’ છીએ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment