અમુક લોકોનાં વિચિત્ર ‘તકીયા કલામ’ હોય છે, જે તેઓ વારંવાર બોલ્યા જ કરતા હોય છે ! આવા ત્રાસદાયક લોકોની ખરેખર સળી કરવા જેવી છે ! જુઓ શી રીતે…
***
સાવ સાદી વાત હોય તો પણ અમુક વડીલ પૂછ્યા કરતા હોય છે : ‘તમે સમજ્યા કે નહીં ?’
દાખલા તરીકે ‘મારે તો સોમવારે મુંબઈ જવાનું છે પણ આજે તો રવિવાર છે. તમે સમજ્યા કે નંઈ ?’
તો આપણે તરત પૂછવાનું ‘ના સમજાયું ! આજે રવિવાર ક્યાંથી આવી ગયો ? તમે પહેલેથી સમજાવો યાર…’
***
અમુક લોકો વાતની શરૂઆત જ આ રીતે કરે છે કે ‘હું શું કહેતો હતો ?’
આવા નમૂનાઓ વાત શરૂ કરે એ પહેલાં જ ભજિયું મુકી દેવાનું ‘ક્યારે ? ગઈ કાલે ? પરમ દિવસે ? કે ગયા વરસે ?’
***
અમુક મહાનુભાવો જાણે પોતે કોઈ ગિનિસ બુકના અદ્ભૂત રેકોર્ડ જેવી વાત કરવાના હોય એમ વાતની શરૂઆત કરતાં કહેતા હોય છે : ‘તમે નહીં માનો…’
અહીં તરત જ કહેવાનું ‘ના ના ! અમે માની લઈશું ! તમ તમારે ચલાવોને ખોટે ખોટી…’
***
અમુક લોકોને શી ખબર, દરેક વાતમાં ‘કન્ફર્મેશન’ જોઈતું હોય છે. એટલે એ જ્યાં ને ત્યાં બોલતા રહે છે કે ‘બરાબર છે ?’
દાખલા તરીકે ‘આ જયેશભાઈ તો મારા ઘરની સામે જ રહે છે, બરાબર છે ? મારે ને એમને ઘર જેવો સંબંધ છે, બરાબર છે ? હવે કાલે રાતે હું એમની વાઈફને મળવા ગયેલો, બરાબર છે ?’
એ જ ઘડીએ ટાંગ અડાડવાની કે ‘ના ના, જયેશભાઈ તો કહેતા હતા કે એ જ બરાબર નથી !’
***
આજના યંગસ્ટર્સ શી ખબર ક્યાંથી શીખ્યા છે, તે વાતવાતમાં બોલે છે કે ‘આવું કોણ કરે છે ?’
જેમકે ‘યાર પેલો કાર્તિક તો રાતે બે વાગે ગુડ મોર્નિંગના મેસેજો કરે છે… યાર આવું કોણ કરે છે ?’
તરત કહેવાનું : ‘કાર્તિક કરે છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment