ચીનના અવકાશી ઉંદરડા !

એક મજેદાર સમાચાર એવા છે કે ચીને પોતાના અવકાશયાનમાં ચાર ઉંદરડા મોકલ્યા હતા ! એ ચારે ચાર ઉંદરડા અવકાશયાનમાંથી હેમખેમ પાછા આવ્યા છે ! હવે વૈજ્ઞાનિકો તેમનું પરીક્ષણ કરી રહ્યા છે !

શું જાણવા મળશે એમાંથી ? જરા કલ્પના તો કરો…

*** 

વૈજ્ઞાનિકોને નવાઈ લાગશે કે આ ઉંદરડા અવકાશમાં રહીને વધારે પડતા તંદુરસ્ત થઈ ગયા છે ! માત્ર શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ ખુબ જ આનંદિત લાગતા હતા !

એનું કારણ શું ?

તપાસ કરતાં માલૂમ પડશે કે ત્યાં અવકાશયાનમાં એકપણ ચીની માણસ ના હોવાથી ઉંદરડાઓના મનમાંથી ‘ભય’ જ નીકળી ગયો હતો કે ‘અમને કોઈ માણસ ખાઈ જશે !’

*** 

વૈજ્ઞાનિકોને એ વાતની પણ નવાઈ લાગશે કે આ ઉંદરડાઓ બહુ જ ‘ઘમંડી’ બની ગયા છે !

કારણ શું ?

તપાસ કરતાં ખબર પડશે કે, અવકાશયાનમાં આ ઉંદરડાઓ ‘હવામાં’ તરતા હતા તેના કારણે જ એમને આવો ‘ફાંકો’ ઘૂસી ગયો હતો !

*** 

ઉંદરડાઓ તો ઠીક, એ અવકાશયાનનું નીરીક્ષણ કરતાં વૈજ્ઞાનિકોને ખબર પડશે કે હવે આ અવકાશયાન ફરી ઊડી શકે એવી હાલતમાં રહ્યું નથી !

કારણ શું ?

કેમકે પેલા ચાર ઉંદરડાઓએ અવકાશયાનનું મોટાભાગનું વાયરીંગ કાતરી ખાધું હશે !

*** 

વૈજ્ઞાનિકોને એ વાતની તો સખત નવાઈ લાગશે કે ઉંદરડાઓની જે પોતાની ભાષા હોય છે તેમાં અમુક શબ્દોનો ઘટાડો થઈ ગયો છે !

કારણ શું ?

કેમકે આ ઉંદરડાઓ હવે ‘ચું’ કે ‘ચાં’ કરતા નહોતા !

*** 

અને છેલ્લે, વૈજ્ઞાનિકો જાહેર કરશે કે આ ચારે ચાર ઉંદરડાઓનો ‘ટેસ્ટ’ સાવ બગડી ગયો છે !

શેના આધારે આવું જાણવા મળ્યું ?

સિમ્પલ ! ચીનના વૈજ્ઞાનિકો એ ઉંદરડાને ‘ખાઈ’ ગયા હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments