આજકાલ ‘સરાદિયાં’ યાને કે શ્રાદ્ધપક્ષના દિવસો ચાલી રહ્યા છે, આના કારણે કાગડાઓ ડિમાન્ડમાં છે, પરંતુ કાગડાઓની પણ ખાસ ડિમાન્ડો છે ! સાંભળી લેજો.
***
ધાબા ઉપર ચડીને ગમે ત્યારે ‘કાગવા… કાગવા…’ એવી બૂમો પાડવી નહીં. અગાઉથી ‘એપોઈન્ટમેન્ટ’ લેવાનું રાખો !
***
વરસોથી એક જ ટાઈપની ખીર ખાઈ ખાઈને અમે કંટાળ્યા છીએ. હવે મેનુ તો બદલો ? પિત્ઝા, બર્ગર, દાબેલી, મોમોઝ, મંચુરિયન… આ બધું માત્ર તમારે જ ખાવાનું છે ?
***
દાળ, કઢી, દૂધપાક વગેરે ઉપરાંત મેનુમાં પેપ્સી, કોક, સ્પાઈસ અને ફ્રુટી જેવાં ઠંડા પીણાં પણ રાખો !
***
તમારા જે સ્વજનને ‘બાટલી’ની આદત હતી એમના શ્રાદ્ધભોજનમાં એક પેપરકપમાં થોડી વ્હીસ્કી પણ રાખોને ? હજી કેટલું સમજાવવાનું ?
***
ભોજનની બાજુમાં સદ્ગતનું આધારકાર્ડ રાખવું ફરજિયાત છે. સાથે સદ્ગતનો એક મોટો ફોટો પણ રાખવો જેથી ફેસ બરાબર ઓળખાય ! કેમકે પછી જો શ્રાધ્ધની ડીલીવરી બીજી કોઈ પાર્ટીની થઈ જશે તો અમારી જવાબદારી નહીં !
***
અને હા, તમારાં બધાં સદ્ગત સ્વર્ગમાં જ જઈને બેઠા હોય એ જરૂરી નથી. એમના લક્ષણો મુજબ એ નર્કમાં પણ હોઈ શકે છે!
એટલે પ્રાર્થના કરતી વખતે સ્વર્ગ કે નર્ક ? એમાંથી પ્રોપર ઓપ્શન પસંદ કરીને જ ભોજન ધરાવવાનું છે. સમજી ગયા ?
***
અને છેલ્લે, અમે ભલે જાતે આવીને ચાંચ ના મારીએ… પરંતુ ‘ગુગલ અર્થ’માં જોઈને તમારું લોકેશન શોધીને માત્ર ‘ઓનલાઈન’ ચાંચ મારી લઈએ, તો એને પણ માન્ય ગણવામાં આવશે !
ઓકે ? તો સી યુ ઓન ધાબા…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment