જો તમે ‘નવરા’ થઈ ગયા હો, યાને કે ‘નિવૃત્ત’ જીવન જીવી રહ્યા હો તો જરા વાંચી લેજો કે તમે પોતે આમાંની કઈ કેટેગરીમાં છો?
***
(૧) ધાર્મિક કેટેગરી
નિવૃત્ત થતાંની સાથે જ આ વડીલોને મંદિર યાદ આવે છે ! અગાઉ માંડ વરસમાં બાર દહાડા માટે મંદિરે જનારા હવે બારે મહિના મંદિરે જતા થઈ જાય છે.
***
(૨) ફિલોસોફર કેટેગરી
‘જીવનમાં શું દાટ્યું છે ?’ ‘બધાએ એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે’ ’ખાલી હાથ આવ્યા હતા, ખાલી હાથ જવાનું છે’ ‘પૈસો તો હાથનો મેલ છે, સત્કાર્યો જ સાથે આવશે…’
આમાં જે છેલ્લું વાક્ય છે એમાં જરા ગડબડ છે, કેમકે વડીલ પોતાના પેન્શનના પૈસા અને વડીલોપાર્જિત મિલકતનો વહીવટ કદી છોડી શકતા નથી ! અને ‘સત્કાર્યો જ સાથે આવશે’ એવું પણ બોલતા હશે અને ‘કશું સાથે આવતું નથી !’ એવું પણ બોલતા જ હશે !
***
(૩) આરોગ્ય કેટેગરી
આ વડીલોને હવે અચાનક હળવી કસરતો કરવાના ધખારા જાગે છે ! એ લોકો મોર્નિંગ વોકમાં બગીચે જશે, ઇવનિંગ વોકને બહાને મંદિરે જશે. લાફ્ટર ક્લબમાં જઈને કારણ વિના અટ્ટહાસ્યો કરશે અને વોટ્સએપમાં આવતા તમામ ‘રામબાણ ઇલાજ’ના મેસેજો મિનિમમ ૧૦૦ જણાને ફોરવર્ડ કરતા હશે !
***
(૪) મની મેનેજમેન્ટ કેટેગરી
ઘરમાં ચેન પડતું ના હોય એટલે પાસબુક લઈને બેન્કમાં જવા નીકળી પડશે… ત્યાં ભલેને લાઈનો હોય ? એ શાંતિથી એસીની હવા ખાતા બેસી રહેશે ! અને પછી ‘કામ પતાવ્યું’નો ભાર ઉતારીને બેન્કની બહાર બીજા વડીલો જોડે બેઠક જમાવશે !
***
(૫) પંચાત કેટેગરી
પોતે બગીચામાં હોય, મંદિરના ઓટલે હોય કે બેન્કની બહાર બેઠા હોય.. પોતાના ઘરની તથા આખા ગામની અને આખા દેશની પંચાત કરવી એ એમનો ‘બેસ્ટ ટાઈમપાસ’ છે !
***
(૬) પોલિટીકલ એક્સ્પર્ટ કેટેગરી
આ પંચાતિયાઓમાં મોટાભાગના મોદી સાહેબ કરતાં વધારે રાજકીય જ્ઞાન ધરાવતા હોય છે. અફસોસ એટલો જ કે મોદી સાહેબ એની સલાહ માનતા (કે માગતા) જ નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment