આપણા દેશમાં ઘણા વરસથી એવી એવી સેલિબ્રિટીઓ પેદા થઈ છે જે બકવાસ કરવા સિવાય કંઈ કામકાજ કરતી જ નથી…
***
થોડા સમય પહેલાં ટીવીમાં સલીમ-જાવેદની જોડીવાળા સલીમખાન આવ્યા હતા. એમણે લખેલી છેલ્લી ફિલ્મ (મિસ્ટર ઇન્ડિયા) આવ્યાને આજે ૩૮ વરસ થઈ ગયાં છે છતાં ટીવીમાં આવીને એમણે શું કર્યું ? છ સાત જોક્સ કીધી ! સ્ક્રીપ્ટ રાઈટિંગ વિશે એક વાક્ય પણ નહીં !
***
એ જ જોડીના જાવેદ સાહેબે સ્ક્રીપ્ટો લખવાનું છોડ્યે વરસો થયાં. છેલ્લું યાદ રહી જાય એવું એકાદ ફિલ્મ ગીત લખ્યાને દશકાઓ થયા… છતાં આજકાલ એ કરે છે શું ? દરેક બાબત ઉપર વિવાદાસ્પદ નિવેદનો !
***
અનુ મલિક પણ એમાંની જ સેલિબ્રિટી છે. ફિલ્મોમાં સંગીતકાર તરીકે તો ક્યારના પતી ગયા છે… છતાં આજકાલ કરે છે શું ? ગાયકોના રીયાલિટી શોમાં સ્પર્ધકોના અપમાનો કરતા ફરે છે !
***
આવી જ એક મહાન સેલિબ્રિટી છે મહેશ ભટ્ટ ! આ સાહેબે ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું છોડ્યાને આજે ૨૫ વરસ થયાં. ભટ્ટ સાહેબ આજકાલ શું કરે છે ? એ જ, વિવાદાસ્પદ નિવેદનો !
***
રામગોપાલ વર્મા તો સૌથી ઊંચી નવરી સેલિબ્રિટી છે ! ફિલ્મ મેકર તરીકે તો પ્રેક્ષકો એમને વરસો પહેલાં ‘માફ’ કરી ચૂક્યા છે. આ સાહેબ જો ઝનૂનમાં આવીને એકાદ મુવી બનાવી નાંખે તો લોકો મોબાઈલ ખોલતાં ‘ડરે’ છે ! પણ એ કરે છે શું…? એ ‘ટ્વિટ’ કરે છે ! લગભગ રોજ !
***
આ કેટેગરીમાં થોડા જ સમયમાં કંગના રાણાવત આવી જવાની છે ! એમાય એ બહેન કહી ચૂક્યા છે કે મને લોકોની સમસ્યાઓ સાંભળી સાંભળીને હવે કંટાળો આવે છે ! તમે જોજો, ૨૦૨૯ આવે એ પહેલાં જ આ બહેન ‘નવરીબજાર’માં બેસી ગયાં હશે!
***
ક્યારેક વિચાર આવે છે કે નિવૃત્ત થઈ ચૂકેલા સિનીયર સિટીઝનો બાંકડે જઈને સમાજ અને દેશ વિશે પંચાત કરતા બેસી રહે છે, એમાં અને આ સેલિબ્રિટીઓમાં ફરક શું રહ્યો ?
- શું તમને નથી લાગતું કે મીડિયાએ આવી નવરી સેલિબ્રિટીઓને ભાવ આપવાનું જ બંધ કરી દેવું જોઈએ ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment