ભીમાનું કામકાજ બવ ભારે !

અમારા સૌરાષ્ટ્રમાં લાઠી નજીકના દેવપર ગામનો ભીમો એટલે બહુ ‘ભારે માંયલો’ માણહ કહેવાય.

આમાં ભારે માંયલાનો અર્થ આપણે શબ્દશઃ જ લેવાનો છે કેમકે ભીમાનું શરીર જ એટલું ભારે કે એને ૧૦૦-૧૧૦ કિલો વજન તો ‘ભૂખ્યા પેટે’ થઈ જાય ! એમાં જો ભોજન પછીનું વજન ગણવા જાઓ તો એ ભીમાના મૂડ ઉપર આધાર !

કેમકે એકવાર જો એને ભાવતા ભોજનમાં લિજ્જત આવી જાય તો વજન ગયું તેલ લેવા ! મતલબ કે ક્યારકે તો એને ખાતો અટકાવવો ‘ભારે’ પડી જાય !

ભીમાને ભલભલી રેસ્ટોરન્ટવાળા અને હાઈવેના ઢાબાવાળા ઓળખી ગયા હતા. એને આવતો જુએ કે તરત પાટિયા ઉપર ‘ફૂલ ભાણું’નો જે ભાવ લખ્યો હોય એમાં એક મીંડુ ઉમેરી દે ! એ તો ઠીક, ગામમાં લગ્નપ્રસંગ હોય તો ભીમાને રસોડેથી દૂર જ રાખવો પડે, નહીંતર અડધી જાન ભૂખી પાછી જાય !

અમારા વિસ્તારમાં એવી વાયકા હતી કે ભીમો જ્યારે નાનો હતો ત્યારે પણ આવો જ હતો. ક્યારેક એને દાળભાત જેવી વાનગીમાં મજો પડી જાય તો એ ખાધે જ રાખે ! આવા ટાણે એની મા એને કહેતી : ‘ભીમા બેટા, જરીક પાણી પી જા, જોઉં ?’

અને જુઓ ચમત્કાર ! ભીમો પાણી પીએ કે તરત બોલી ઊઠે ‘બસ ! પેટ ભરાઈ ગ્યું માડી !’

પરંતુ મોટા થયા પછી ભીમો આ ટ્રિક સમજી ગયેલો. હવે તો એની સામે આપણે ફ્રીજના ઠંડા પાણીનો જગ ભરીને મુકીએ, કે મસ્ત મજાનું ઠંડા પાણીનું માટલું સામું ધરીએ, કે ઈવન ગુલાબની પાંખડીઓ નાંખેલું ‘ગુલાબજળ’ ફ્લેવરનું પાણી કેમ ન હોય.. ભીમો પોતે ‘ધારે’ અથવા ‘ધરાય’.. આ બેમાંથી એક ઘટના બને ત્યારે જ એ ખાતો અટકે !

વળી એવું ય નહીં કે ભીમો ખાઈ ખાઈને આટલો ફેલાઈ ગયેલો એટલે આખો દહડો પલંગમાં જ પડ્યો રહેતો હોય ! ઉલ્ટું, એ તો ભારે કામગરો ! આખો દહાડો એને બાબરા ભૂતની જેમ કંઈ કામ ધંધો તો જોઈએ જ !

થોડું ઘણું ભણ્યા પછી ભીમો અમારા એરિયામાં છકડો ચલાવતો થયો પણ એમાંય એનો કેવો ઠાઠ ! હેય… ને છકડાને મસ્ત માજનાં રંગબિરંગી લટકણિયા વડે સજાવ્યો હોય !

ઉપરથી છકડાના સ્ટેરિંગ ઉપર બંને બાજુ ત્રણ ત્રણ સાઈડ મિરર લગાડ્યા હોય ! એક્સિલેટરના દાંડા પરથી પ્લાસ્ટિકનાં ઝૂલણિયાં ઝૂલતાં હોય ! એટલું જ નહીં, આગલા વ્હીલમાં એણે ખાસ એક મેળામાંથી લાવીને ઘૂઘરા બંધાવેલા ! અને હા, ધમાધમ દેશી ગાયનો વગાડતાં સ્પીકરો તો ખરાં જ !

આના કારણે ભીમાનો છકડો અમારા એરિયાની મજુરણોમાં ખાસ આકર્ષણ ધરાવતો હતો. અમારા ગામથી પાંચ દસ કિલોમીટરના વિસ્તારમાં નાની મોટી ફેકટરીઓ હોવાથી ત્યાં રોજ મજુરીનું કામ મળી રહેતું. આમ તો એ રૂટ પર રોજના છ-સાત છકડા આંટા મેરા, પણ ભીમાનો છકડો હંમેશાં ‘હાઉસફૂલ’ જ હોય.

બીજા છકડ઼ામાં જો બાર-પંદર સવારી ભરી હોય તો ભીમાના છકડામાં વટ કે સાથ વીસેક જણા તો ગોઠવાયા જ હોય ! એમાંય, ‘જણા’ કરતાં ‘જણી’ વધારે હોવાથી અમુક ‘દિલફેંક જણા’ પણ ભીમાના છકડા ઉપર, ભલેને લબડતાં ને લટકતાં જવા મળતું હોય, તોય એમાં જ જતા !

ભીમાનું જોઈને બીજા એકાદ રંગીલા છકડાવાળાએ એના છકડામાં ઓવર-બુકીંગ કરવાની કોશિશ કરેલી પણ થયેલું એવું કે પાછળની તરફનો ‘લોડ’ વધી જવાને કારણે જ્યારે સાવ મામૂલી ઢાળ ચડવાનો આવે ત્યારે બેટમજીનો છકડો ‘ઝાડ’ થઈ જાય ! (મતલબ કે આગળનું પૈડું હણહણતા ચેતક ઘોડાની માફક ઊભું થઈ જાય !)

આવું ભીમાના છકડામાં નહી થવાનું કારણ પણ એ જ – ભીમાનો ‘ભાર’ ! કેમકે ભીમાનું વજન એટલુ, કે છકડો આગળથી ઊંચો થાય જ શેનો ?

આવા રંગીલા ભીમાની પાછળ અમારા પંથકની ઘણી રૂપાળીઓ ઘેલી હતી. પરંતુ એક દિવસ ભીમાનું દિલડું એની મ્યુઝિક સિસ્ટમમાં જે ‘રાધા’ના નામાનાં ગાયનો વાગતાં હતા એવી એક રાધા, નામે કંકુ, સાથે ગોઠવાઈ ગયું !

એમાંય ઘટના તો ભીમાના ભારને કારણે જ રોમેન્ટિક બનેલી.

વાત એમ હતી કે એ સમય હતો ચોમાસાનો. અમારા સૌરાષ્ટ્રમાં નદીઓ થોડી છીછરી હોય એટલે જો ચાર-પાંચ ઈંચ ધોધમાર વરસાદ પડે એટલામાં તો નદીમાં ઘોડાપુર આવી જાય ! અને વળી જો મેહુલિયો ખમૈયા કરી જાય તો બે કલાકમાં પૂર ઉતરી પણ જાય !

આવી જ એક નદીમાં પૂર આવેલું. બંને કાંઠે ટ્રકો, ટેમ્પા, બાઈકો અને છકડા ઊભા રહી ગયેલા. સૌ રાહ જોતા હતા કે પાણી થોડાં ઉતરે પછી વાહન નદીમાં ઉતારીએ. પરંતુ ભીમાના છકડામાં જે સુંદરીઓ બેઠી હતી એમાંની આ કંકુએ જીદ કરી:

‘મારે તો વ્હેલાં ઘિરે જાવુ જોસે, કેમકે મેંમાન આઈવા છે. જઈને મારે ચૂલો હળગાવીને રોટલા ઘડવા પૈડશે. જો મોડું થ્યું તો મેંમાન આગળ મારા બાપુનું નીચાજોણું થાહે.’

ભીમો કહે, ‘એમાં શું ? હાલો, તમને હંધીયુંને હાંમે પાર પોંકાડી દવ ! સરત એટલી જ કે મારી સીટ પર મારી અડખે પડખે બે છોડીયું બેહી જાવ !’

બસ, એ પછી તો ભીમાએ પોતાના ‘ભાર’ના જોર ઉપર અને ડ્રાઈવીંગની કલાબાજી વડે વહેતા પાણીમાંથી છકડો હેમખેર પાર કરાવી દીધો. આમાં ભીમાની જમણી કોરે જે રૂપાળી બેઠી હતી તે કંકુ ભીમાના દિલમાં વસી ગઈ !

તપાસ કરતાં ખબર પડી  કે એ પણ એમની જ્ઞાતિની જ છે ! પછી તો શું, કરો ‘કંકુના’ !

જોકે હવે એક નવી જફા ઊભી થઈ. અત્યાર સુધી તો ભીમો ગામના દરજી પાસે ખાસ ડબલ તાકામાંથી સીવડાવેલાં પેન્ટ-શર્ટ પહેરતો હતો પરંતુ, જ્યારે લગ્નની વાત આવી તો ભીમાના બાપુજી કહે ‘આમાં તો તારે ચોયણો જ પહેરવો પડે !’

ભીમો ગયો ગામના દરજી પાસે. પણ દરજીએ ચોખ્ખી ના જ પાડી દીધી કે, ‘ભીમા, તારો ચોયણો શીવાય જ નંઈ !’ 

ભીમો બીજા  દરજી પાસે ગયો. તેણે પણ માપ લીધા પહેલાં જ ના પાડી દીધી ! 

ત્રીજા દરજીએ તો ચેલેન્જ ફેંકી કે ‘જો કોઈ દરજી તારો ચોયણો સીવી દ્યે તો હું મારી મૂછ મુંડાવી દઉ !’

આનું કારણ શું ? પેન્ટ સીવી શકાય તો ચોયણો કેમ નહીં ? તો કારણ એવું હતું કે ચોયણામાં પગની એડીથી લઈને ઘૂંટણ સુધીનું ફીટીંગ ચપોચપ આવવું જોઈએ, પરંતુ એનાથી ઉપર કમર સુધીમાં એેનો ફૂલ ઘેરાવો એવો હોવો જોઈએ કે કમરના ‘પરિધ’ કરતાં ચોયણાનો પરિધ લગભગ બમણો હોવો જોઈએ ! હવે આમાં ભીમાની સાઈઝ મુજબ ‘સાંધા’ કેમ કરીને મારવા ?

છતાં અમારા લાઠી ટાઉનમાં એક દરજીએ આ ચેલેન્જ ઉપાડી ખરી. પરંતુ થયું એવું કે ‘ટ્રાયલ’ વખતે ભીમાએ જેમતેમ કરીને ચોયણો પહેરી તો લીધો, પણ ઉતારીને કાઢવા જતાં જ ફાટી ગયો !

છેવટે આ ગંભીર મજબૂરીને કારણે જુની પરંપરાને અપવાદરૂપે ત્યાગીને ભીમાએ પેન્ટ-શર્ટમાં જ લગ્ન કરવા પડ્યા. ત્યારબાદ ભીમા અને કંકુનો સંસાર પણ સુખેરૂપે ચાલવા લાગ્યો.

પરંતુ આખા કિસ્સાની શરૂઆત આપણે ભીમાના ભારે ખોરાકની વાતોથી શરૂ કરી હતી, તો છેલ્લે એવા એક યાદગાર કિસ્સાથી ભીમાનું ચરિત્ર-ચિત્રણ પૂરું કરીએ.

વાત એમ હતી કે લગ્ન પછી એક દિવસ ભીમાના સસરા ઘરે મહેમાન થઈને આવ્યા હતા. ભીમાના બાપુજીને નોન-વેજ રાંધતા બહુ સારું આવડે. એમને થયું કે આજે તો વેવાઈને આ ‘ખાસ’ સ્વાદનો પરિચય કરાવું. 

જોકે ઘરની સ્ત્રીઓ તો ઘરના ચૂલામાં આવું બધું રાંધવા જ ન દે, એટલે ઘરને પછવાડે જ્યાં નહાવાનું પાણી ગરમ કરવા માટેનો ચૂલો હતો ત્યાં ભીમાના બાપુજીએ તપેલું ચડાવી દીધું.

ભીમો ગયો હતો છકડો લઈને ‘ટ્રીપો’ મારવા માટે. એને આવતાં સાંજ પડવાની હતી. દરમ્યાનમાં ફળિયાના લોકોને થયું કે ‘ભીમાને ત્યં મેંમાન આઈવા છે તો આપણે એમને ચા-પાણી માટે બોલાવીં.’

બંને વેવાઈઓ અડોશ પડોશમાં ગયા ચા-પાણી કરવા, અને આ બાજુ ભીમો આવી પહોંચ્યો. અંધારું ઘેરાઈ ચૂક્યું હતું અને બંને વડીલો દેખાણા નહીં એટલે ભીમો સમજ્યો કે એમણે જમી લીધું હશે !

તો બસ, એ પોતાની થાળી લઈને તપેલા પાસે બેઠો… અને અગાઉ કહ્યું તેમ એને ‘સ્વાદ’ લાગી ગયો તો આખું તપેલું ‘પતાવી’ ગયો !

વડીલો પાછા આવ્યા. જુએ છે તો તપેલું સફાચટ ! ભીમાના બાપુ કહે ‘એલા, તું એકલો હંધુય ઝાપટી ગ્યો ? આમે ય તને ભાવશે એમ જાણીને મેં બે ગણું બનાઈવું તું ! ઈ યે તું ઠપકારી ગ્યો ?’

આમાં હવે બીજું તો શું થાય ? ઘરની વહુ કંકુ એ ફટાફટ નવેસરથી રોટલા મંડ્યા ટીપવા સાથે બટેટાનું રસાવાળું શાક (કેમકે ઝટ બને) પણ સસરાજી એકલા એકલા પોતાના વેવાઈ હાર્યે બેહે એ તો કેવું લાગે ? એટલે ભીમો પણ બેઠો !

આ બીજા રાઉન્ડમાં ય ભીમાને ગરમાગરમ રસોઈનો ‘સ્વાદ’ લાગી ગયો ! કંકુ બિચારી રોટલા ઘડતાં થાકી !

આખરે ભીમાની માએ કીધું : ‘બેટા, જરીક પાણી પી જા, જોઉં ?’ ત્યારે ભીમાને ‘ટ્યુબલાઈટ’ થઈ અને તે અટક્યો !

***

-મન્નુ શેખચલ્લી 

(કથાબીજ : એમ. કે. મકવાણા, અમદાવાદ)


Comments

  1. અનંતભાઈ પટેલ6 September 2025 at 17:24

    ભીમાની વાત એના જેવી જ જોરદાર.

    ReplyDelete

Post a Comment